Mysamachar.in:અમદાવાદ
કાયદાકીય લડાઈ એવી બાબત છે જેમાં સૌ પક્ષકારોએ ચુસ્ત અને સજ્જ રહેવું જરૂરી હોય છે, જો એમ કરવામાં ન આવે તો, આવી લડાઈઓમાં સમય, શક્તિ અને નાણું વેડફાતુ હોય છે. અને, ઘણી વખત પરિણામ આપણી ફેવરમાં નથી પણ હોતું. ખાસ કરીને, ફેમિલી કોર્ટના હુકમ અને ચુકાદાઓ સંબંધમાં પક્ષકારોએ જાગૃતિ દાખવવી આવશ્યક બનતી હોય છે.
ફેમિલી કોર્ટના હુકમ અને ચુકાદાઓ સામે અપીલ કરવાની મુદત માત્ર 90 દિવસની હોય છે. તાજેતરમાં હાઈકોર્ટે વધુ એક વખત આ મુદ્દો યાદ અપાવ્યો છે. કારણ કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ- 28(4) કહે છે: 90 દિવસમાં અપીલ કરવામાં આવી હોય તો તે ટકવાપાત્ર હોય છે. તાજેતરમાં લગ્નની તકરાર સંબંધનાં એક કેસમાં આ સમયમર્યાદા અંગે ગૂંચવણ ઊભી થતાં, હાઈકોર્ટે આ સ્પષ્ટતા કરવી પડી છે.
હાઈકોર્ટે આ કેસનાં ચુકાદામાં જણાવ્યું છે કે, હિન્દુ મેરેજ એક્ટ-1955ની કલમ- 28(4) માં, 2003 માં સુધારો કરવામાં આવ્યો છે. અને સુપ્રિમ કોર્ટનાં સાવિત્રી પાંડે વિરુદ્ધ પ્રેમચંદ્રા પાંડેના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઈને અપીલની આ સમયમર્યાદા 30 દિવસની હતી તે વધારીને 90 દિવસની કરવામાં આવી છે. તે જોતાં ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે 90 દિવસમાં અપીલ કરવામાં આવી હોય તો તે ટકવાપાત્ર હોય છે.