Mysamachar.in:અમદાવાદ
અંગ્રેજોએ એવો પ્રચાર કરેલો કે, ક્રિકેટ જેન્ટલમેન ગેમ છે ! સમયનાં વહેવા સાથે આ ગેમમાં જેન્ટલમેન ગણ્યાગાંઠ્યા રહ્યા અને સટ્ટોડિયાઓ બહુમતીમાં આવી ગયા ! ક્રિકેટ અને રાજકારણનો સંબંધ પણ જાણવા જેવો વિષય છે ! અને, એ જ રીતે હવેનાં જમાનામાં પણ ફૂટબોલ માત્ર પગની કીક નથી રહી, દિમાગથી ખેલાતો ‘સટ્ટો’ બની રહ્યું છે ! ગાંધીનગર સીઆઇડી ક્રાઇમનાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, ફૂટબોલમાં પણ કરોડોનો ‘સટ્ટો’ ગૂંથાઈ રહ્યો છે. તેનાં માટે બેંક એકાઉન્ટ પણ ખાસ હોય છે ! જેમાં નાણાંની હેરાફેરી થતી હોય છે. આ નાણાં પૈકી અમુક હિસ્સો વિદેશ પણ જાય છે ! ગુજરાત ક્રિકેટની માફક ફૂટબોલ સટ્ટામાં પણ એક્ટિવ છે, એવું જાણમાં આવ્યા પછી આ ફિલ્ડનાં પાંચ મોટાં નકલી સટોડિયાઓને ઉપાડી લેવામાં આવ્યા છે.
લખન ઠક્કર અને નયન શાહ સાથે સંકળાયેલા માનવામાં આવતાં આ પાંચ શખ્સોને શોધી કાઢવામાં આવ્યા તે પહેલાં સીઆઈડી ક્રાઇમ દ્વારા 100 જેટલાં બેંક એકાઉન્ટ ટ્રેક કરવામાં આવેલાં. જે પૈકી 20 એકાઉન્ટનાં ટ્રાન્ઝેકશન પરથી જાણવા મળ્યું કે, નાણાંની ગેરકાનૂની હેરાફેરી થાય છે ! બાદમાં આ પાંચ શખ્સો સાયબર ક્રાઇમ સેલના હાથમાં આવ્યા. સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું કે, ફૂટબોલ સટ્ટામાં ઘણાં બધાં જૂગારીઓને છેતરીને આ શખ્સોએ રૂ. 900 કરોડથી વધુની રકમ એકત્ર કરી લીધી છે ! આ શખ્સોએ આ માટે ઇન્વેસ્ટમેન્ટ તક એવાં શબ્દોનો સહારો લીધો. અને ડાનીડેટા નાં માધ્યમથી ફૂટબોલ મેચના સ્કોરની આગાહીઓ કરી ! આ કુંડાળા સંબંધે સીઆઇડી ક્રાઇમ દ્વારા લખન તથા નયન વિરૂદ્ધ લૂકઆઉટ સરકયૂલર બહાર પાડવામાં આવ્યો છે, કારણ કે આ બંને શખ્સો દૂબઈથી આખું રેકેટ ઓપરેટ કરે છે ! આ શખ્સોને ઝડપી લેવા સીઆઇડી ક્રાઇમ રેડ કોર્નર નોટિસની પણ તૈયારી કરી રહ્યું છે. આ રેકેટના સંદર્ભમાં કચ્છમાંથી પાંચ શખ્સોની ધરપકડો થઈ છે.
શરૂઆતમાં આ FIR પાલનપુર પોલીસમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં આ ફરિયાદ સીઆઇડી ક્રાઇમને સોંપી દેવામાં આવી. ફરિયાદની તપાસ દરમિયાન સીઆઇડી ક્રાઇમે ગુજરાતમાં 100 જેટલાં બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા હતા. જે પૈકી 20 એકાઉન્ટ અમદાવાદમાં ખૂલ્યા હતા. સીઆઇડી ક્રાઇમને એવો અંદેશો છે કે, આ આખું કૌભાંડ હજાર કે હજારો કરોડનું પણ હોય શકે છે ! આ ફરિયાદમાં IPC ની કલમો 465, 468 તથા 471 દાખલ કરવામાં આવી છે. આ પ્રકરણમાં કેટલાંક નાણાં હવાલા મારફતે દૂબઈ અને યુરોપના દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. સીઆઇડી ક્રાઇમે આ તપાસમાં જોડાવા નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી, ED તથા GST સત્તાવાળાઓને પત્રો લખ્યા છે ! કેટલીક બનાવટી કંપનીઓનાં નામે બેન્ક એકાઉન્ટ ખૂલ્યા છે.
અત્યાર સુધીમાં પેન્થર ટ્રેડિંગ કંપની નામનું એક બેન્ક એકાઉન્ટ તપાસવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, આ એકાઉન્ટમાં રૂ. 900 કરોડનાં બોગસ ટ્રાન્ઝેકશન થયાં છે ! આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ શખ્સોની અટક કરવામાં આવી છે, જેમનાં નામો દિલીપ બાજીગર, દામજી ચૌહાણ, જયેશ ઘેલાણી (રહે. ત્રણેય આદિપુર, કચ્છ) અને હિતેષ ચૌહાણ તથા રમેશ મહેશ્વરી(રહે. બંને અંજાર) છે. પોલીસ કહે છે: આ શખ્સોએ મે-2022 માં ડાની ડેટા નામની એપ ફલોટ કરી હતી જે એપ યુરોપમાં ખેલાતા ફૂટબોલ મેચના સ્કોરની આગાહીઓ કરતી હતી. ટૂંકમાં, સટ્ટો શરૂ કર્યો હતો પરંતુ છેતરપિંડી માટે ! ઉંચા વળતરની લાલચે રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતાં. દરેક ગ્રાહકને યૂઝર્સ આઈડી આપવામાં આવેલાં. આ એપ મારફતે સેંકડો ફૂટબોલપ્રેમીઓએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું પછી, દૂબઈમાં બેઠેલાં લખન ઠક્કર અને નયન શાહે આ એપ કલોઝડ કરી દીધી ! આ બંને શખ્સો યુરોપમાં મોટું નેટવર્ક ધરાવતા હોવાનું સીઆઇડી ક્રાઇમનાં ધ્યાનમાં આવ્યું છે.