Mysamachar.in:અમદાવાદ
ખાસ કિસ્સાઓમાં સ્વબચાવ માટે હથિયાર જરૂરી બની જતું હોય છે. અને, હથિયાર સાથે હોવું પ્રતિકારની ઘડીએ માણસને આત્મવિશ્વાસ આપતું હોય છે. પરંતુ સરકારમાંથી હથિયારનો પરવાનો મેળવવા માટે ઘણાં બધાં લોકોએ આકરી સ્થિતિઓમાંથી પસાર થવું પડતું હોય છે. આવો એક કેસ તાજેતરમાં છેક વડી અદાલત સુધી પહોંચ્યો હતો ! કલ્પના કરો, આ પરવાનો માત્ર રિન્યુ કરાવવામાં પણ માણસે કેટલાં પાપડ વણવા પડતાં હોય છે !! તેનું આ કેસ શ્રેષ્ઠ ઉદાહરણ લેખી શકાય. વડી અદાલતે આ કેસમાં કહ્યું કે, હથિયારનો પરવાનો આપવાની પ્રક્રિયામાં તંત્ર સ્વેચ્છાચારી રીતે વર્તે છે. અને, સરકાર પણ પરવાના માટેની ગાઈડલાઈન સંતાડી રહી હોય, તેવું દેખાઈ રહ્યું છે ! આ મામલો જૂનાગઢ જિલ્લાનાં પુંજા સૂત્રેજા નામનાં એક વ્યક્તિનો છે. આ વ્યક્તિની હથિયાર પરવાનો રિન્યુ કરાવવાની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે અરજી ફગાવતાં એમ કહેલું કે, અરજદાર 60 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને તેઓની જિંદગી માથે હવે કોઈ ભય નથી.
આ સમયે મેજિસ્ટ્રેટ દ્વારા એવું પણ કહેવામાં આવેલું કે, અરજદારે ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરવો જોઈએ, બેંકમાં રોકડેથી નાણાંકીય વ્યવહારો કરવાનું ટાળવું જોઈએ, જો તેઓને ભય લાગતો હોય તો. આ અરજદાર 21 વર્ષથી હથિયારનો પરવાનો ધરાવે છે. પરંતુ તંત્રએ ઉપરોક્ત દલીલો કરી, પરવાનો રીન્યુ કરવા ઈન્કાર કરી દેતાં આ મામલો અરજદાર હાઈકોર્ટમાં ઢસડી ગયા હતાં. આ મામલામાં સરકારે 2017 નાં એક પરિપત્રનો ઉલ્લેખ કર્યો હતો. આ પરિપત્રમાં જણાવાયું છે કે, સરકારે પાછલાં વીસ વર્ષ દરમિયાન અંદાજે 65,890થી વધુ હથિયાર પરવાના આપ્યા છે. ઘણાં કેસોમાં પરવાના અને હથિયારનો દુરૂપયોગ થાય છે એવું પણ આ પરિપત્રમાં જણાવાયું છે. અને, સરકારે આ પરિપત્રમાં અધિકારીઓને એવી જનરલ સૂચના આપી છે કે, આ પરવાના રીન્યુ કરતી વખતે અરજી રિએસેસ કરવી અને પરવાનદારની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો, પરવાનો રિન્યુ ન કરવો.
આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવએ કહ્યું કે, માણસની ઉંમર જેમ વધે છે તેમ તેની જિંદગીની અસલામતી વધી જતી હોય છે. અને 65 વર્ષની વ્યક્તિને હથિયારની જરૂર નથી એવું કોણ કહે છે ?! જસ્ટિસે સરકારી વકીલને એમ પણ કહ્યું કે, હથિયાર પરવાના સંબંધે સરકાર જે ગાઈડલાઈનને અનુસરી રહી છે તે ગાઈડલાઈન અદાલત સમક્ષ મૂકવા અદાલતે સરકારને એક કરતાં વધુ વખત કહ્યું છે છતાં સરકાર આ ગાઈડલાઈન શા માટે સંતાડી રહી છે ?! અદાલતે ટકોર કરતાં ત્યાં સુધી કહ્યું કે, તંત્રો આ પ્રકારના હુકમો સ્વેચ્છાચારી રીતે કાઢે છે અને જાણે કે કોપી પેસ્ટ થતું હોય એમ એકસરખાં ઓર્ડર આપવામાં આવે છે, કેસનાં ગુણદોષ તપાસ્યા વિના. આ કેસમાં હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવતો જે હુકમ જિલ્લા સત્તાવાળાઓએ કરેલો તે હુકમ રદ્ કર્યો છે. અને, અરજદારની હથિયાર પરવાનો રિન્યુ કરવાની અરજી અંગે નવેસરથી હુકમ કરવા પણ સૂચના આપી છે.