Mysamachar.in:અમદાવાદ
ડોક્ટરો ગરબડિયા અક્ષરે દર્દીઓને દવાઓ લખી આપે છે, મેડિકલ સ્ટોર્સનાં સંચાલકો આ અક્ષરો ઉકેલી લ્યે છે ! તેનું કારણ એ છે કે, મેડિકલ સ્ટોર્સ સંચાલકો જાણતાં જ હોય છે કે, કયા સાહેબ કઈ કંપનીની કઈ દવા લખી આપતાં હોય છે ?! કારણ કે, દવાઓનાં આ કાગળો એક મોટાં ષડયંત્ર, એક મોટી લૂંટનો જ એક હિસ્સો હોય છે ! પરંતુ દવાઓનાં આ કાગળોનો મામલો એક જુદાં જ સંદર્ભે રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો છે. ગ્રાહકોના હિતોની રખેવાળી કરતાં ચાર સામાજિક કાર્યકર્તાઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. એવી માંગણી કરી છે કે, ડોક્ટરોએ દર્દીઓને બ્રાન્ડેડ દવાઓ લખી આપવાને બદલે દવાઓનાં જેનરિક નામો લખી આપવા જોઈએ. આ અરજીઓના નિકાલની પ્રક્રિયા માટે અદાલતે નેશનલ મેડિકલ કમિશનને નોટિસ મોકલાવી છે.
જાહેર હિતની આ અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે, ડોક્ટરો દર્દીઓને જેનરિક દવાઓ લખી આપે તે માટે સંબંધિત સત્તાવાળાઓને નિયમો બનાવવા અદાલતે દિશાનિર્દેશો આપવા જોઈએ. આ માંગણીનાં અનુસંધાને અદાલતે કમિશનને નોટિસ મોકલાવી છે. આ અરજીમાં કહેવાયું છે કે, જે જેનરિક દવાઓ સસ્તા ભાવે મળતી હોય તે દવાઓને બદલે તેવી જ દવાઓ બ્રાન્ડેડ કંપનીઓની લખીને ડોક્ટરો દર્દીઓને મોંઘા ભાવે બ્રાન્ડેડ દવાઓ ખરીદવા મજબૂર કરે છે, આ એક પ્રકારની સતામણી છે, આર્થિક શોષણ છે. મેડિકલ ક્ષેત્રમાં આ શોષણ બંધ કરાવવું જોઈએ.
આ પ્રકારની માંગણી અનુસંધાને અગાઉ ગુજરાત હાઇકોર્ટે ત્યારની મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પણ નોટિસ મોકલાવી હતી. પરંતુ હવે કાઉન્સિલને બદલે દિલ્હીમાં નેશનલ મેડિકલ કમિશન આ બધી બાબતો સંભાળે છે તેથી વડી અદાલતે કમિશનને ફ્રેશ નોટિસ મોકલાવી છે. જાહેર હિતની આ અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, ડોક્ટરો આ નિયમનું પાલન કરતાં નથી. જેનરિક દવાઓ લખી આપતાં નથી. પરંતુ નેશનલ મેડિકલ કમિશન આ પ્રકારના તબીબો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી શકતું નથી કેમ કે, કમિશનમાં એ પ્રકારનું મિકેનિઝમ જ અસ્તિત્વમાં નથી ! તેથી અદાલતે સત્તાવાળાઓ આ પ્રકારનું મિકેનિઝમ રચે તે માટે સત્તાવાળાઓને નિયમો બનાવવા દિશાનિર્દેશો આપવા જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, બ્રાન્ડેડ દવાઓનો બિઝનેસ અબજો રૂપિયાનો છે. જેમાં દર્દીઓ બેફામ રીતે લૂંટાઈ રહ્યા છે ! પરંતુ તેમ છતાં, આ દિશામાં સરકાર સ્તરે અથવા નેશનલ મેડિકલ કમિશન દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી ! હવે લાગે છે કે, જાહેર હિતની આ અરજીને પગલે આગામી સમયમાં ઉંટ પહાડ નીચે આવી શકે છે.