Mysamachar.in:અમદાવાદ:
પતંગો અને દોરીઓનો લોકપ્રિય તહેવાર મકરસંક્રાંતિ ઉર્ફે ઉત્તરાયણ જેમ જેમ નજીક આવે છે, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ વગેરેની ચર્ચાઓ વધી રહી છે. મામલો કાલે શુક્રવારે રાજયની વડી અદાલતમાં પણ પહોંચી ગયો ! અને, રાજય સરકારે અદાલતમાં નજર નીચી રાખી સાંભળવું પણ પડ્યું.
દર વર્ષની માફક આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પહેલાં સમાચારોમાં અને સરકારી જાહેરનામાઓમાં ચાઈનીઝ દોરી અને તુક્કલની ચર્ચાઓ વચ્ચે, આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો જ્યાં રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામાને અદાલતે વાહિયાત લેખાવી, નવું સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો.
ચાઈનીઝ દોરી, કાચ પાયેલો માંજો અને તુક્કલ પર જે પ્રતિબંધ છે, તે પ્રતિબંધની અમલવારીના મુદ્દે અદાલતે સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે, સરકારનું સોગંદનામું માત્ર વાહિયાત જ નથી, વિશ્વાસ બેસે તેવું પણ નથી. હાઈકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરીને નવું સોગંદનામું રજૂ કરવા કહ્યું. હાઈકોર્ટે આ તકે એમ પણ નોંધ્યું કે, ચાઈનીઝ દોરી સહિતની આ ચીજો પરનાં પ્રતિબંધના અમલની બાબતોને સરકાર હળવાશથી લઈ રહી છે, જે ચલાવી લેવામાં આવશે નહીં.
વડી અદાલતે કહ્યું : આ પ્રતિબંધ અંગે લોકજાગૃતિ ફેલાવવા મુદ્દે સરકાર શું કરવા ચાહે છે ? તે અંગે જાહેરનામામાં કોઈ વિગતો નથી. અદાલતે એમ પણ કહ્યું કે, સોગંદનામામાં અગાઉનાં માત્ર જાહેરનામાં મૂકી દેવાથી સરકારનાં પ્રતિબંધના અમલ અંગેનાં એકશન પ્લાનની વિગતો કેવી રીતે મળી શકે ? અદાલતે સરકારને એક્શન પ્લાન રજૂ કરવા સ્પષ્ટ જણાવ્યા પછી પણ સોગંદનામું એ મુદ્દે મૌન છે, એમ પણ અદાલતે નોંધ્યું.
આ આખા મામલાની વધુ સુનાવણી આજે શનિવારે છે. અરજદારે અદાલતમાં રજૂ કરેલી અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, અરજીમાં દર્શાવવામાં આવેલાં સૂચનો પ્રત્યે સરકાર ગંભીર બને તો, ઘણાં બધાં નાગરિકો તથા પક્ષીઓને દોર, માંજાથી થતાં નુકસાન અને ઈજાઓથી બચાવી શકાય. આજે સરકાર દ્વારા અદાલતમાં નવું સોગંદનામું રજૂ થશે. ત્યારબાદ અદાલત શું નિર્દશો આપે છે, તે જોવું રસપ્રદ બનશે. અરજદારે પોતાની અરજીમાં ઘણાં બધાં સૂચનો કર્યા છે, જેની આજે અદાલતમાં ચર્ચા થશે.