Mysamachar.in-અમદાવાદ:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક કેસની સુનાવણી રાજ્યની વડી અદાલતમાં ચાલી રહી છે. જેમાં હાઈકોર્ટે સંસ્કૃતનાં શ્લોકો ટાંકી આરોપી પિતાની જામીનઅરજી ફગાવી દીધી છે. પિતા પર ગંભીર આરોપ છે, બાર વર્ષની માસૂમ દીકરીની પિતાએ બે વખત છેડછાડ કરી, દીકરીને ડરાવી ! એવું આ દીકરીની માતા કહે છે. અને, આ પતિ કહે છે, તેની પત્ની ખોટું બોલે છે. ફરિયાદ ખોટી છે !
એક શખ્સે પોતાની બાર વર્ષની માસૂમ દીકરીને જાતીય રીતે પરેશાન કરી. દીકરીને માનસિક આઘાત પણ લાગ્યો છે. આ દીકરીની માતાએ પોતાના પતિ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદે દ્વારકા જિલ્લામાં ચકચાર મચાવી છે. આરોપી પિતા કહે છે, તેની પત્ની તેનાંથી અલગ રહેવા ઇચ્છે છે તેથી આ ખોટી ફરિયાદ કરી છે.
આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં થઈ ત્યારે આરોપી પિતાની જામીનઅરજી ફગાવતાં અદાલતે કહ્યું : એક પિતા સો શિક્ષક બરાબર છે. પિતા દીકરીનો રક્ષક છે. પિતા જ્યારે પુરૂષ તરીકેનાં આધિપત્યનો દુરૂપયોગ કરે ત્યારે એ ગંભીર અપરાધ બને છે. માસૂમ દીકરીનાં શારીરિક અને માનસિક રક્ષણની જવાબદારી પિતાની છે, એવું હાઈકોર્ટે મનુસ્મૃતિ તથા પદમ પુરાણના શ્લોકો ટાંકી જણાવ્યું.
હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે, સ્ત્રીઓ ઘરની બહાર સુરક્ષિત નથી એ રીતે કેટલાંક કિસ્સાઓમાં ઘરની અંદર પણ સુરક્ષિત નથી, એમ કહેવાની અદાલતને આ કિસ્સામાં ફરજ પડી રહી છે. આ કેસમાં આરોપી પિતા વિરુદ્ધ IPC ની કલમ 354A અને ‘ પોકસો ‘ ની કલમો હેઠળ માસૂમ દીકરીની માતાએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે અંગે આરોપી કહે છે: આ ફરિયાદ ખોટી છે.