Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત દેશભરમાં કરોડો લોકો વિવિધ પ્રકારની પોલિસીઓ ખરીદતાં હોય છે. આ પ્રકારના પોલિસી ગ્રાહકો માટે આગામી પહેલી જાન્યુઆરીથી નિયમો બદલાઈ રહ્યા છે. ‘ ઇરડા ‘ આ જાહેરાત કરી છે. વીમા નિયંત્રક સંસ્થા ઇરડાએ જણાવ્યું છે કે, આગામી પહેલી જાન્યુઆરીથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રકારની વીમા પોલિસી મેળવશે તેણે KYC આપવું ફરજિયાત રહેશે. KYC વિના કોઈ પણ પોલિસી ખરીદી શકાશે નહીં. KYCનો આ નવો નિયમ હાલમાં વીમા પોલિસી ધરાવતાં પોલિસીધારકોને પણ લાગુ પડશે, એમ ઈરડાએ ઉમેર્યું છે.
KYC અંગેનાં ઈરડાના આ નવા નિયમથી વીમા કલેઈમના કામો ફટાફટ નિપટાવી શકાશે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં છેતરપિંડીનાં કિસ્સાઓ અટકાવવામાં પણ મદદ મળશે. હાલમાં જિવન વીમા સિવાયનાં કોઈ પણ પ્રકારના વીમા( સ્વાસ્થ્ય, વાહન, યાત્રા વગેરે)ની ખરીદીમાં KYC ફરજિયાત નથી.
જે કિસ્સામાં વીમાના દાવાની રકમ રૂ. એક લાખથી વધુ હોય છે તે કિસ્સાઓમાં વીમાધારકે આધાર અને પાન કાર્ડ આપવું જરૂરી છે. પહેલી જાન્યુઆરીથી કોઈ પણ પ્રકારની વીમા પોલિસી ખરીદતી વખતે ગ્રાહકે KYC આપવું ફરજિયાત રહેશે. ઈરડા કહે છે: જિવન વીમા સહિત કોઇ પણ પ્રકારની વીમાપોલિસી ખરીદતી વખતે નવા વર્ષથી KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેનો આશય છેતરપિંડી અટકાવવાનો તથા વીમા કલેઈમની ઝડપી પતાવટનો છે, એમ ઈરડાએ કહ્યું છે.