Mysamachar.in-અમદાવાદ:
તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા ઓખા નજીકના દરિયામાંથી ઝડપી લેવામાં આવેલી પાકિસ્તાની બોટ ના-પાક ઈરાદાઓ સાથે ભારતીય પાણીમાં પ્રવેશી હતી ! એવી આશંકા ખુદ ગુજરાત ATS દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ખોફનાક ગેમ અંગે અધિકારીઓ ઈશારો કરી રહ્યા છે.
ઓખા નજીકના દરિયામાંથી ઝડપાયેલી શસ્ત્રો, દારૂગોળો અને કરોડોનાં ડ્રગ્સ સાથેની બોટને ગુજરાત ATS ટેરર એન્ગ્લથી તપાસી રહી છે. કોઈ સંભવિત આતંકી અથવા ઓર્ગેનાઈઝડ ક્રાઇમનો આ પ્રયાસ હોય શકે કે કેમ ?! તે દિશામાં સમગ્ર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. પાછલાં 30 વર્ષમાં આ પ્રથમ એવું ઓપરેશન છે, જે સત્તાવાળાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. કારણ કે, એટીએસ આ આખા મામલાને અતિ સંવેદનશીલ અને દેશની સુરક્ષા સામેનાં જોખમ તરીકે જૂએ છે ! આ બોટનો સંપૂર્ણ જખીરો ખંભાળિયા નજીકનાં સલાયા બંદરે ઉતારવાનો હતો ! એવું કાલે મંગળવારે જ જાહેર થઈ ગયું હતું.
ગુજરાતનાં દરિયાકિનારે શસ્ત્રોનું લેન્ડિંગ કરવાનો આ ખોફનાક મનસૂબો આજથી ત્રીસ વર્ષ પહેલાં પણ આચરવામાં આવ્યા પછી, ફરી વખત આમ બન્યું છે ! આ મામલો અસાધારણ છે, ATS ની દ્રષ્ટીએ. બોટમાંથી 6 નંગ ઇટાલિયન બેરેટા 92f પિસ્તોલ મળી આવી છે. 12 મેગઝીન મળ્યા છે. અને 120 કારતૂસ મળી આવી છે. આ બધોજ જથ્થો ગેસ સિલિન્ડરોના તળીયે આબાદ રીતે પેક કરવામાં આવ્યો હતો. આ શસ્ત્રો અને દારૂગોળો દરિયામાં કોઈ એજન્સી સાથે સંભવિત ફાઈટ વખતે ઉપયોગમાં લેવા માટે ન હતો. આ કાતિલ જથ્થો સલાયા ખાતે લેન્ડ કરવા માટે હતો ! આ પ્રકારની દાણચોરીના બે અર્થ નીકળી શકે. આ જથ્થો કોઈ મોટાં ઓર્ગેનાઈઝડ ક્રાઇમનો હિસ્સો હોય શકે છે અથવા તો કોઈ આતંકી ષડયંત્રનો હિસ્સો હોય શકે છે, એમ ATS નાં અધિકારીઓ કહી રહ્યા છે !
આ દસેય પાકિસ્તાની શખ્સો બલુચિસ્તાન પ્રાંતના છે. જેઓ પાકિસ્તાનનાં ગદર બંદરેથી ખંભાળિયા નજીકનાં સલાયા ખાતે પહોંચવા રવાના થયા હતાં. DGP આશિષ ભાટિયા કહે છે: ભૂતકાળમાં પોરબંદર નજીક તથા સલાયા ખાતે 1992/93માં હથિયારો લેન્ડ થયાં હતાં. બલુચિસ્તાનથી મોતનો આ સામાન મોકલનાર શખ્સનું નામ હાજી સલીમ બલોચ છે. ગદર બંદરે પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે.
જે શખ્સો આ બોટમાંથી ઝડપાયા છે તે તમામ દસેય બલુચિસ્તાની છે. તેનાં નામો: ઈસ્માઈલ સફરાલ, 25- અનદામ અલી, 20- હકીમ દિલમોરાદ, 30- ગૌહર બખ્સ, 38- અબ્દુલ ગની જંગિયા, 45- અમાનુલ્લાહ, 27- કાદિર બખ્સ, 55- અલા બખ્સ, 46- અને ગુલ મોહમ્મદ, 30. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS સત્તાવાળાઓ આ બોટને તથા દસેય બલુચિસ્તાની શખ્સોને સલાયા દરિયાકાંઠે લઈ ગયા છે, અને ખૂબ જ ઉંડી તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
-કેવી રીતે પેક કરવામાં આવ્યા હતાં શસ્ત્રો અને દારૂગોળો ?
ATS નાં એક અધિકારીએ કહ્યું છે: આ શસ્ત્રો અને દારૂગોળો સિલિન્ડરનાં તળિયે બોક્સ બનાવી છૂપાવવામાં આવ્યા હતાં ! જેનાં પર લોખંડની પ્લેટ જડી દેવામાં આવી હતી. જેથી પ્રથમ દ્રષ્ટિએ અથવા આ સિલિન્ડરની હેરાફેરી કરનારને પણ આ ચીજો વિષે કોઈ જ ખબર ન પડે ! આ પ્રકારની કારીગરી પાછળ કોઈ મોટો અને ખતરનાક આશય હોય શકે છે !