Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં બધાં પરિવારોની સગીરાઓ નાસી છૂટવાના, અદ્રશ્ય થવાનાં બનાવો નોંધાતાં રહે છે. જે પૈકી ઘણી સગીરાઓ અને આરોપીઓ ઝડપાઈ પણ જતાં હોય છે પરંતુ રાજકોટનો એક કેસ એવો છે જેમાં 14 વર્ષની સગીરા આજે ત્રણ વર્ષથી અદ્રશ્ય છે. જે કેસનો આરોપી સદામ ઉર્ફે ઘૂઘો પણ ત્રણ વર્ષથી ટ્રેસ થયો નથી ! આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા વડી અદાલતે કડક વલણ અખત્યાર કર્યું છે.
આ સગીરા ગૂમ છે એવી ફરિયાદ તેણીનાં પિતાએ રાજકોટનાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મે-2019માં નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે સદામ મકવાણા ઉર્ફે ઘૂઘો નામનાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ લખાવવામાં આવી હતી. આ સગીરાની શોધખોળ કરવામાં આવ્યા પછી પોલીસે સમરી રિપોર્ટ દાખલ કર્યો અને અદાલતને જણાવ્યું કે, સગીરા અથવા આરોપી ઘૂઘો મળી આવ્યા નથી. ત્યારબાદ અદાલતે આ કેસ પોલીસ પાસેથી લઇ CID ક્રાઈમને ગત્ જાન્યુઆરીમાં સોંપી દીધો હતો. જો કે, આજની તારીખે આ સગીરા કે આરોપી ટ્રેસેબલ બન્યા નથી, પતો મેળવી શકાયો નથી. સગીરાના પિતા આ મામલો વડી અદાલતમાં લઈ ગયા. વડી અદાલતે DIGને આદેશ કર્યો કે, આ પ્રકરણમાં તપાસ સંદર્ભે સંબંધિત પોલીસ અધિકારી વિરુદ્ધ જરૂરી પગલાં લેવામાં આવે. હાલ આ તપાસ CID ક્રાઈમ હસ્તક છે.
કોઈ પણ પરિવારમાંથી દીકરી ગૂમ થઈ જાય એ પરિવારની સ્થિતિ કફોડી બનતી હોય છે. આવા કિસ્સામાં શકમંદ આરોપી પણ વર્ષો સુધી ટ્રેસ ન થઈ શકે, એ પણ ચિંતાનો વિષય લેખાવી શકાય. બેટી બચાવો સૂત્ર સમગ્ર રાજ્યમાં જાણીતું છે- એ સ્થિતિમાં આ પ્રકારના કેસની તપાસ વધુ ગંભીર અને પરિણામલક્ષી બને તે આવશ્યક છે. ફરિયાદી માતાએ આ કેસમાં એમ પણ જણાવ્યું છે કે, પોલીસે આ કેસમાં ફરિયાદીનું નિવેદન અત્યાર સુધીમાં દસ વખત નોંધ્યું છે !