Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચુકી છે અને મોટાભાગે મોડીરાત્રીના કે વહેલી સવારે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે પણ દિવસ દરમ્યાન વાતાવરણ ગરમ રહેતું હોય છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વાતાવરણમાં આજથી આવી શકે છે પલટો… સાંજ પડતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આજ સાંજથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક શહેરોમાં વાતાવરણમાં બદલાવ આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાતાવરણમાં પલટાને કારણે રાજ્યના કેટલાંક શહેરો ઠંડાગાર થઈ જશે.
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના શહેરોમાં ઠંડક વર્તાવા લાગશે. વાતાવરણ બદલાતા આજથી રીતસર ઠંડીનો ચમકારો અનુભાવાશે. આજે અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, મોરબી અને ભરૂચ જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે. તાપમાન ઘટતા આ જિલ્લાઓમાં અચાનક ઠંડી વધી ગઈ હોવાનો અહેસાસ થશે.
જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે તેવી સંભાવનાઓ છે.