Mysamachar.in-ગુજરાત:
સામાન્ય માન્યતા એવી છે કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાથી, દરેક પોલીસ સ્ટેશનમાં વર્કલોડ ખૂબ જ રહે છે. આ અંગે અત્રે ચર્ચા નહીં કરીએ પરંતુ મુખ્ય વાત એ છે કે, સરેરાશ દર બે વર્ષે રાજ્યમાં કોઈને કોઈ ચૂંટણી યોજાતી હોય છે, જેને કારણે હજારો પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલાં હોય છે. આ સ્થિતિમાં પોલીસ વિભાગની કામગીરીઓ પર માઠી અસરો જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા હવે દરેક લોકલ પોલીસ સ્ટેશનની કામગીરી ચકાસવામાં આવશે. ક્યાં, કેટલાં કામો, શાથી પડતર પડયા છે ? તેની પણ યાદી તૈયાર થશે. હાલમાં આ અભિયાન અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. હવે પછી રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં કામગીરીનું મૂલ્યાંકન થશે. પડતર કેસોનો અભ્યાસ થશે.
આ ઉપરાંત DGP કક્ષાએ એવો પણ નિર્ણય થયો છે કે, ગુન્હો હત્યાનો હોય કે અપહરણનો, લૂંટનો હોય કે દુષ્કર્મનો જે કોઈ ગુનાને અંજામ આપવામાં ઈન્ટરનેટનો દુરૂપયોગ થયો જણાશે, તે તમામ ગુન્હાની તપાસ સંબંધિત પોલીસ સ્ટેશન સાથે સંકલનમાં રહીને સાયબર ક્રાઇમ પણ જોડાશે. રાજ્યભરમાં સાયબર સેલની કામગીરી વધશે. લોકલ પોલીસ સ્ટેશનની જવાબદારીઓ અને સતાઓ ઘટશે. લોકલ પોલીસ સ્ટેશનની પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ટ્રાફીક તથા પ્રજા સાથે સીધાં જ સંકળાયેલા કામો પર વધુ ધ્યાન આપવાની વ્યવસ્થા શરૂ થશે.
હાલમાં અમદાવાદ શહેરમાં બધાં જ પોલીસ સ્ટેશનમાં આ અભિયાન શરૂ થયું છે. ધીમેધીમે સમગ્ર રાજ્યમાં વધુને વધુ પોલીસ સ્ટેશનના કર્મીઓને પ્રજાને સીધાં સ્પર્શતા કામોમાં જોડવામાં આવશે. લોકલ પોલીસ સ્ટેશનની તમામ કામગીરી તથા પડતર કેસોનો પણ અભ્યાસ કરવામાં આવશે.
હાલમાં આપણે જોઈએ છીએ કે, સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ વિભાગ પાસે ઓછી ફોર્સ હોય છે. કાં તો તેઓ ચૂંટણી સહિતના કામોમાં રોકાયેલાં હોય છે અથવા તો અપરાધોના ભેદ ઉકેલવામાં વ્યસ્ત હોય છે. જેને કારણે લોકોને રોજબરોજના જીવનમાં જે સમસ્યાઓ નડતી હોય તે દિશામાં પોલીસ ભાગ્યે જ હાજર રહી શકે છે. પોલીસ વિભાગમાં ખરેખર તો વિશાળ પાયા પર ભરતીની જરૂર છે અને લોકો માટે, લોકોની સાથે રહીને પોલીસ વધુમાં વધુ કામ કરી શકે તે માટેની પોલીસને તાલીમ આપવાની વ્યવસ્થા સઘન બનાવવાની આવશ્યકતા છે, એવી લાગણી લોકો અનુભવી રહ્યા છે.