Mysamachar.in-અમદાવાદ:
એક તરફ રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી કામગીરીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક જિલ્લામાં વહીવટીતંત્રનાં લગભગ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ગળાડૂબ છે, દરમિયાન અમદાવાદ જિલ્લાના એક યુવાન SDM અધિકારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદ જિલ્લાના સાણંદનાં પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશવલાલ પટેલએ આપઘાત કરી લીધો હોવાનો રિપોર્ટ આજે સવારે જાહેર થયો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓએ પ્રેરણાતીર્થ સોસાયટીમાં, પાંચમા માળે આવેલાં ફલેટમાંથી નીચે પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ સમાચારથી સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં ચકચાર મચી છે. મૃતક અધિકારી રાજેન્દ્ર પટેલ આ વિધાનસભા બેઠકનાં રિટર્નિંગ ઓફિસરની જવાબદારી સંભાળી રહ્યા હતાં. સૂત્રો જણાવે છે, આ અધિકારી પંદરેક દિવસ પહેલાં જ સાણંદમાં આવ્યા હતાં. તેઓએ પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો પછીનાં પંદર દિવસમાં આ ઘટના બનતાં સનસનાટી મચી ગઈ છે.
આ યુવાન અધિકારીએ કોઈ અંગત અથવા પારિવારિક કારણોસર આવું પગલું ભર્યું કે અન્ય કોઈ કારણસર ?! તે પ્રશ્નનો જવાબ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે. જો કે, સવારથી બપોર સુધીમાં આ અધિકારીનાં આપઘાત અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ સાણંદ વિધાનસભા બેઠક પર તથા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રમાં પણ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા આ અધિકારીનાં આપઘાતને કારણે ચૂંટણી સંબંધિત દોડધામ ચાલી રહી છે.