Mysamachar.in-અમદાવાદ:
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનાં અભ્યાસુ અને કદાવર નેતા તથા ભૂતકાળમાં રાજ્યનાં આરોગ્યમંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસે લાંબી ઇનિંગ્સ પછી, કાલે શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. જયનારાયણ વ્યાસ ભારતીય જનતા પાર્ટી સાથે 32 વર્ષથી સંકળાયેલા હતાં. કેશુભાઈની સરકારમાં તેઓ આરોગ્યમંત્રી હતાં. છેલ્લાં દસેક વર્ષથી પ્રદેશ ભાજપાએ તેઓને સાઈડલાઈન કરી દીધાં હતાં. તેઓ અભ્યાસુ, કદાવર અને પ્રમાણિક નેતા તરીકે જાણીતા છે. ઉત્તર ગુજરાતમાં બ્રહ્મસમાજ સહિત સમગ્ર પ્રદેશમાં તેઓ બિનવિવાદાસ્પદ નેતા તરીકે લોકપ્રિય છે.
નર્મદાજળ અંગે તેઓએ ઘણું કામ કર્યું છે. હાલમાં પણ તેઓ આ વિષય પર એક પુસ્તક લખી રહ્યા છે. તેઓનાં મતે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવાની દિશામાં રાજસ્થાનમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. તેઓ તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા તેમજ વર્તમાન ચૂંટણીમાં ગુજરાત સંભાળતા અશોક ગેહલોતને મળ્યા હતાં ત્યારથી વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
જો કે જયનારાયણ વ્યાસે કહ્યું કે, તેઓ માટે કોન્ગ્રેસ અને ‘ આપ’ બંને વિકલ્પો ખૂલ્લાં છે. તેઓ ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર બેઠક પર ચૂંટણી લડશે. તેઓએ તાજેતરમાં ભાજપાની સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ ભાગ લીધો હતો. સિદ્ધપુર બેઠક પર અત્યાર સુધીમાં ભાજપાનો ચાર વખત વિજ્ય થયો છે. ચારેય વખતે જયનારાયણ વ્યાસ વિજેતા થયાં હતાં. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો સાત વખત વિજય થયો છે. જયનારાયણ વ્યાસના રાજીનામાને પગલે ઉતર ગુજરાતમાં સારી એવી ચર્ચા જામી છે. તેઓએ પક્ષ છોડવા પાછળ જિલ્લાનાં રાજકારણને જવાબદાર ઠરાવ્યું છે ! તેઓ કહે છે: ચારપાંચ લોકોએ જિલ્લામાં પક્ષ પર કબજો કરી લીધો છે.