Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં ગેરકાયદે બાંધકામોનો મુદ્દો દાયકાઓથી ચર્ચામાં છે. આ અગાઉ બે વખત ગુજરાત સરકારે, આવાં બાંધકામોના હજારો ધારકો પાસેથી ઈમ્પેકટ ફી તરીકે કરોડો રૂપિયા તારવી લઈ, બાંધકામો અંગેનાં ખુદ સરકારનાં જ નિયમોની છડેચોક મસ્તી કરી છે !વધુ એક વખત ગુજરાત સરકારે ઈમ્પેકટ ફી યોજના જાહેર કરી દીધી છે ! ચૂંટણી પહેલાં ઘણાં ખેલ થતાં હોય છે, શાસકપક્ષને આવી ઘણી અનુકૂળતાઓ હાથવગી બનતી રહેતી હોય છે. હાલમાં, ઈમ્પેકટ ફી યોજના ખૂબ જ ચર્ચામાં છે. અને, એક નેતાએ આ યોજના મુદ્દે આપેલું ચૂંટણી વચન જાણવા જેવું છે !
પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જિતુ પટેલ અમદાવાદ ખાતે પાર્ટીનાં હેડ કવાર્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં રવિવારે બોલ્યા કે, ગુજરાતમાં ઈમ્પેકટ ફી યોજના હેઠળ સરકારને રૂ. 20,000 કરોડની આવક થશે ! ટૂંકમાં, ગેરકાયદે બાંધકામોનાં ધારકોના ખિસ્સામાંથી આ રકમ સરકાર કાઢી લેશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોન્ગ્રેસની સરકાર આવશે તો, લોકો પાસેથી ઈમ્પેકટ ફી વસૂલવામાં આવશે નહીં. આ બાંધકામો ફ્રી માં નિયમિત કરી આપવામાં આવશે ! સરકારની માફક વિપક્ષ પણ ગેરકાયદે બાંધકામોને ઉતેજન આપવાનું વલણ ધરાવે છે ! આપણે આ નિવેદનનો અર્થ આવો પણ સમજી શકીએ !
આ નેતાએ કહ્યું: દસ વર્ષ વીતી ગયા પછી પણ સરકારે ઈમ્પેકટ ફી યોજના બાબતે કેટલીક સ્પષ્ટતાઓ કરી નથી ! આ પત્રકાર પરિષદમાં કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ એમ બોલ્યા કે, રાજ્યમાં 15 લાખ સરકારી કર્મચારીઓને ‘ કાયમી’ કરવામાં આવ્યા નથી. કોન્ગ્રેસની સરકાર આ કર્મચારીઓને કાયમી કરશે અને જૂની પેન્શન યોજનાનો લાભ પણ આપશે. તેઓએ કહ્યું: રાજસ્થાન રાજ્યમાં અમારી સરકાર લાખો કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી રહી છે, જે ગુજરાતમાં પણ શક્ય છે. ચૂંટણી વચનો અંગે લોકો અને સર્વોચ્ચ અદાલત ગમે તે કહે, નિવેદનો વિનામૂલ્યે હોવાથી નેતાઓ ચૂંટણીટાણે નબળી વાતો કરતાં જ નથી ! એવું સમજવું ?!