Mysamchar.in-અમદાવાદ:
જામનગર સહિત રાજ્યભરમાં જેલોમાં હજારો કેદીઓ વિવિધ કારણોસર લાંબો સમય સબડતા હોય છે ! જેલોમાં કેદીઓની સંખ્યા પણ નિર્ધારિત સંખ્યા કરતાં અનેકગણી વધારે હોય છે. આ સ્થિતિમાં હજારો કેદીઓને જબરી રાહતનો અનુભવ થાય એ પ્રકારની સૂચના જેલ આઈજીપીને અદાલતે આપી છે, અત્રે જાણીએ..
જામનગર સહિતની રાજયની જેલોમાં બંધ કાચાં અને પાકાં કામનાં કેદીઓ પૈકી સંખ્યાબંધ કેદીઓ, કાયદાની જોગવાઇ મુજબ નિયત સમયે જામીન પર મુક્ત થવાનો હક્ક ધરાવતાં હોય છે પરંતુ વિવિધ વહીવટી અને ટેકનિકલ કારણોસર આવાં કેદીઓને યોગ્ય સમયમર્યાદામાં જામીનમુકતિ મળતી હોતી નથી. વિલંબને કારણે તેઓનો જેલવાસ લંબાયે જતો હોય છે. પરિવારજનો પરેશાનીઓ અનુભવતાં હોય છે. ઘણાં કેદીઓના પરિવારોમાં સારાં માઠાં કામો કે પ્રસંગો પણ ઉપસ્થિત થતાં હોય છે પરંતુ કેદીઓ જેલમાં બંધ હોય છે ! યોગ્ય સમયે જામીન મેળવી શકતાં નથી. આ પ્રકારના એક કેસને ધ્યાનમાં રાખી, વડી અદાલતે આ પ્રકારનો વિલંબ નિવારવા રાજયની જેલોના વડા ( આઈજીપી) ને સૂચના આપી છે.
હાઈકોર્ટે કાલે ગુરુવારે જેલ આઈજીપીને જણાવ્યું છે કે, કાચાં અથવા પાકાં કામનાં દરેક કેદીની જામીનઅરજીની વિગતો અરજી થયાં પછીની 48 કલાકમાં હાઈકોર્ટની રજિસ્ટ્રી સુધી પહોંચાડવાની રહેશે અને આ અરજી વડી અદાલતમાં બોર્ડ પર ચાલવા માટે પહોંચે તે પ્રકારની વ્યવસ્થા તંત્રએસમયસર કરવાની રહેશે. વડી અદાલતના આ આદેશ નું યોગ્ય રીતે પાલન થશે તો, હજારો કેદીઓ માટે આ બાબત ખૂબ જ રાહતરૂપ પૂરવાર થશે.