Mysamachar.in-અમદાવાદ:
હાલનો સમય સ્માર્ટફોનનો છે, દરેક વ્યક્તિને બદલાતી ટેકનોલોજી સાથે નવા મોંઘાદાટ ફોન ખરીદવાની ઈચ્છા થતી હોય છે, પણ જો તમને કોઈ મોંઘો ફોન સસ્તામાં આપવાની લાલચ આપે તો છેતરાઈ ના જતા કારણ કે મોંઘા ફોન સસ્તામાં આપવાના ના નામે લોકો સાથે ઠગાઈ કરતી એક ગેંગ ઝડપાઈ ચુકી છે જયારે એક ગેંગ હજુ બહાર ફરી રહી છે જેને ઝડપી પાડવા પોલીસ કવાયત કરી રહી છે, સાણંદ પોલીસે યુપીની એકની ગેંગની ધરપકડ કરી છે જેમાં ચાર લોકો સામેલ છે આવી વધુ એક ગેંગ પણ ગુજરાતમાં સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીઓ મોંઘા મોબાઇલ સસ્તામાં આપવાની વાત કરીને પલભરમાં લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ જતા હતા.
મળતી માહિતી પ્રમાણે આરોપી GIDC વિસ્તારોમાં મજૂરી કરતા પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરતા હોવાનુ સામે આવ્યું છે. આ સાથે જ આરોપીઓ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ આ મોડસ ઓપરેન્ડી સાથે ઘણા લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.આરોપીઓ કોઈપણ વ્યક્તિને પેહલા અસલી મોબાઇલ જેની કિંમત 25 થી 30 હજાર હોય એવા મોબાઇલ બતાવતા હતા અને ત્યાર બાદ 4 થી 5 હજારમાં આપવાની વાત કરીને અસલી મોબાઈલ પોકેટમાં નાંખી અન્ય મોબાઈલ જેવી વસ્તુ કાઢીને આપી દેતા હતા. મહત્વનું છે કે આરોપીઓ કાંચનો ટુકડો કવરમાં નાખીને રાખતા અને કવરના ચેઈનમાં ફેવક્વીક નાંખી દેતા હતા. જેથી મોબાઇલ ખરીદનાર જયાં સુધી મોબાઈલ ખોલીને જોવે ત્યાં સુધી આરોપી પોતાના સહ આરોપી સાથે બાઈક ઉપર ફરાર થઈ જતાં હતાં.
પોલીસે આ અંગે છાનબીન કરતા એવું સામે આવ્યું છે કે આવા જ પ્રકારની 2 ગેંગ ગુજરાતમાં હતી અને જેમાં એક પકડાઈ ગઈ છે તો અન્ય એક ગેંગ હાલ પણ ફરાર છે અને આ લોકોએ છેલ્લા 6 દિવસમાં 50 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે. આરોપીઓ દર વર્ષે ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમાં આવીને લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ જતાં હતાં.