Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત રાજ્યભરમાં રખડતાં પશુઓનો મુદ્દો હોટ ટોપિક બની ચૂક્યો છે. પશુઓનાં કારણે અકસ્માતો તથા નિર્દોષ લોકોનાં મોત થતાં હોય, અને ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાની પ્રતીતિ થતાં ગુરૂવારે વધુ એક વખત વડી અદાલત સરકાર પર ખફા થઈ હતી અને આકરો ઠપકો આપ્યો હતો. ગુરૂવારે આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હતી. વડી અદાલતે કહ્યું: ઢોર પકડવાની કામગીરી કાગળ પર જોવા મળે છે. દરેક જિલ્લામાં કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવે. પશુ અકસ્માત કેસ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે. ગૌશાળાઓ તથા ગાયો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને આ કેસમાં પક્ષકાર બનાવો. ઢોર કોનાં છે ?! નક્કી કરો, પગલાં ભરો.
અરજદારોએ પશુ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને તથા મૃતકોના પરિવારજનોને વળતર મળે તે માટે પણ રજૂઆત કરી. સરકારે સ્વબચાવમાં રૂટિન વાતો કરી. આ સમસ્યાનો ઉકેલ શોધવાની દિશામાં સરકારે વડી અદાલત સમક્ષ કશું જ કહ્યું ન હતું. ટૂંકમાં, રખડતાં પશુઓનાં મુદ્દે સરકાર એકદમ ધીમી જોવા મળી રહી છે અને તેથી હાઈકોર્ટમાં સરકાર વિરુદ્ધ ગંભીર ટિપ્પણીઓ થતી રહે છે, સરકારને ઠપકા મળતાં રહે છે. જામનગર જેવાં શહેરની વાત કરીએ તો, સેંકડો રખડતાં પશુઓનાં ટોળાં માર્ગો પર ( રામેશ્વર નગર સહિતના વિસ્તારોમાં) હોવાં છતાં જામનગર કોર્પોરેશન, ત્રણ ત્રણ શિફ્ટ માં કામનો દેખાડો કર્યા પછી પણ, 24 કલાકમાં 24 ઢોર પકડી શકતી નથી ! તેથી લોકોમાં રોષ છે. પદાધિકારીઓ ગુફામાં છે.