Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ બુટલેગરો કોઈપણ હિસાબે પોતાનો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખવા પોલીસને માત આપી છૂપી રીતે દારૂ વેચતા હોય છે. અમદાવાદના ચાંદખેડા પોલીસે આવા જ એક બુટલેગરને રાજસ્થાનથી અમદાવાદ આવ્યાની જાણ થતાં પોલીસે તરત જ ઝડપી લીધો હતો. આ મામલે નવાઈની વાત તો એ છે કે આ બુટલેગર રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના ચાંદખેડા વિસ્તાર સુધી લઈ આવ્યો અને તે પણ પોલીસ બનીને….અમદાવાદના ચાંદખેડા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ પોલીસ યુનિફોર્મમાં દારૂનો જથ્થો લઈ અંજલી પેલેસ નામની હોટલમાં રોકાવા આવી રહ્યો છે. જેને પગલે પોલીસે વોચ ગોઠવી ચાંદખેડા બસ સ્ટેન્ડ નજીકથી જ મંગલસિંહ રાવત નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા આરોપી મંગલસિંહ પાસેથી વિદેશી દારૂની 28 જેટલી બોટલ મળી આવી અને પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.
આ અંગે પોલીસે પૂછપરછ કરતા પોતે રાજસ્થાન પોલીસમાં હોવાનું જણાવ્યું હતું પણ ચાંદખેડા પોલીસની ટીમને શંકા જતા રાજસ્થાન પણ આ બાબતે તપાસ કરાવી હતી જેમાં મંગલસિંહ નામના વ્યક્તિ પોલીસકર્મી નહિ હોવાનું સામે આવતા પોલીસે પ્રોહીબિશન અને રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપવાનો ગુનો નોધી આરોપી મંગલસિંહ રાવતની ધરપકડ કરી. સાથે જ 28 જેટલી વિદેશી દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી હતી. આરોપી પોલીસનો યુનિફોર્મ એટલે સાથે રાખતો કે દારૂ આપવા જતા તેની ઉપર કોઈ શંકા ન કરે અને પોલીસ તરીકેના છાપથી કોઈ હેરાનગતિ ન થાય તે માટે રાજસ્થાન પોલીસનો યુનિફોર્મ પણ સાથે રાખતો હોવાનું ખુલવા પામ્યું છે.