Mysamachar.in:અમદાવાદ
ક્યારેક કોઈ શાતીર દિમાગ લોકો પોતે જ આરોપી હોવા છતાં ફરિયાદી બની અને પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરતા હોય છે,અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેનો સાયબર ક્રાઇમ ટીમે પર્દાફાશ કર્યો છે, વિશાલ મુળચંદભાઇ ગાલા પોતાની સાથે તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી તેમની સાથે અજાણ્યા ઇસમોએ આશરે રૂ. 27 કરોડની છેતરપિંડી થયાંની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન આ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની તેમજ આ ફરિયાદમાં જણાવેલી રકમ તે ઓનલાઇન નોન-સ્કીલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદીએ ઓનલાઇન ગેમ્બલિંગ કરી પૈસા હારજીત કરેલા હોવાની હકીકત સામે આવતા અલગથી ગુનો દાખલ કરી ફરિયાદીની જ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
વિશાલ ગાલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે, અજાણ્યા ઇસમોએ તેમની સાથે તેઓ જે તમિલનાડુ સરકારમાં જે બેગનું ટેન્ડર બહાર પડેલું છે, તે અપાવવાની લાલચ આપી તેમજ તે કામનું રો-મટિરિયલ સસ્તા ભાવે આપવાની લાલચ આપી અજાણ્યા ઇસમોએ આશરે રૂપિયા 27 કરોડની છેતરપિંડી આચરેલી છે.જે બાદ પોલીસે અલગ અલગ એન્ગલ થી તપાસ કરી હતી વિશાલ ગાલાએ ગેમ્બલિંગ કરી હોવાની હકીકત જાણવા મળી હતી. જેથી તે બાબતે તુરંત ઇલેક્ટ્રિક એવિડન્સ મળી આવતા ઇલેક્ટ્રિક્સ એવિડન્સમાં મળી આવેલા મની ફ્લોને ફરિયાદીના બેંક એકાઉન્ટ સાથે ચેક કરતા તમામ એન્ટ્રીઓ ફરિયાદીએ ફરિયાદમાં ટેન્ડર માટે ભરેલી હોવાની હકીકત જણાવેલી તેની સાથે મેચ થતી હતી. તેમજ તેના સિવાય પણ અન્ય ઇલેક્ટ્રિક એવિડન્સ મળી આવેલી હતી.
જેથી ગુનાની તપાસ દરમિયાન આ કામના ફરિયાદી વિશાલ ગાલાએ લખાવેલી ફરિયાદ તદ્દન ખોટી હોવાની હકીકત જાણવા મળી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબની રકમ કોઇ ટેન્ડર પ્રોસેસ માટે નહીં, પરંતુ ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કરેલો હોવાની હકીકત જાણવા મળી હતી. તેમજ આ વિશાલ ગાલાએ તપાસ માટે અરજી આપ્યા બાદ પણ પોતે INDIA24BET.COM કંપનીમા લાખો કરોડોની ગેમ્બલિંગ કરતા હોવાની હકીકત તેમના બેંક ટ્રાન્જેક્શન ઉપરથી મળી આવેલી હતી. જેથી સાયબર ક્રાઈમે ગેમ્બલિંગનો ગુનો દાખલ કરી આરોપી વિશાલ ગાલાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ગુનો કરવા ઉપયોગમાં લીધેલા 2 મોબાઇલ ફોન મળી આવતા ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે.