My samachar.in:અમદાવાદ
આજના સમયમાં મોબાઈલ અને કોમ્પ્યુટરમાં એક ક્લિકથી બેન્કના મોટાભાગના કામ પતી જાય છે, પણ જેટલા ફાયદાઓ હોય છે તેની સામે એટલે ગેરફાયદાઓ પણ હોય છે અને જરૂરી સાવચેતી રાખવામાં ના આવે તો છેતરપીંડીનો શિકાર પણ બની શકાય છે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, કેવાયસી માટે બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની યોજનાનો સાઈબર ગઠિયાઓ લાભ લઈ નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની એક ઘટના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં શહેરની એક કોટન કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબરને હેક કરીને અલગ અલગ ટ્રાન્ઝેકશન કરીને કુલ રૂ.2.29 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, એસ જી હાઈવે પર રૂ અને દોરાનું એક્સપોર્ટ કરતી કંપનીના માલિક અલ્કેશભાઈ ગાંગાણીએ તેમની કંપનીના નાણાંકીય વ્યવ્હાર કરવા માટે ખાનગી બેંકના આનંદનગર બ્રાંચમાં ખાતુ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ઈન્ટરનેટ બેંકીંગ મારફતે નાણાંકીય લેવડદેવડ કરવા માટે અલ્કેશભાઈએ પોતાનો વોડાફોન મોબાઈલ નંબર તથા પોતાનુ ઈમેઈલ આઈડી રજિસ્ટર્ડ કરાવ્યું હતું 3 જુલાઈએ તેમનો મોબાઈલ નંબર અચાનક બંધ થઈ ગયો હતો. જેથી તેમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો કહ્યું કે તમારો કોલ આવ્યો હતો જેથી અમે તમારું સિમ લોક કરી દીધુ છે, બીજા દિવસે અલ્કેશભાઈ પર તેમના ભાગીદારે ફોન કરીને જાણ કરી હતી કે, ગઈ રાતના કંપનીના એકાઉન્ટમાંથી 2.29 કરોડના ટ્રાન્જેક્શન થયા છે. જેથી તેમણે આ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.