Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના હવામાન વિભાગે આજે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ (5 જુલાઈથી 9 જુલાઈ) સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ રહેશે. આ દરમિયાન સામાન્યથી હળવો વરસાદ પડશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે પાંચમી જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. છ અને સાતમી જુલાઈના રોજ ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, સુરત અને ડાંગમાં અતિભારે વરસાદ પડી શકે છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. જોકે, છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી ઓછી રહેશે. 9મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.