Mysamachar.in-અમદાવાદ:
વિરોધ કરવાની પણ અલગ રીત હોય છે, કોઈ વખત એવો આશ્ચર્યજનક વિરોધ થાય કે દરેકનું ધ્યાન તે તરફ ચોક્કસથી જાય છે, આજે અમદાવાદમાં પણ આવું જ થયું જ્યાં કોંગી કોર્પોરેટર સહિતના લોકોમાં કોઈ હાથમાં બ્રશ લઇ ને તો કોઈ હાથમાં ડોલ તો કોઈ હાથમાં લોટો લઈને કમિશ્નર બંગલો ખાતે પહોચ્યા…કારણ એવું હતું કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમમાં પણ કેટલાક વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી અને ક્યારેક તો પાણી આવતું જ ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. શહેરમાં પાણીની સમસ્યાને લઇ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનોખું આ રીતનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, કોંગ્રેસના કોર્પોરેટરો સહિત લોકો પાણીની ડોલ, બ્રશ લઈ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાના લો ગાર્ડન સ્થિત બંગલે પહોંચ્યા હતા.
કોંગ્રેસના નેતાઓ અને લોકોએ હાય રે કમિશનર હાય હાય અને પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો અને લોકો પાણીની ડોલ, બ્રશ અને ટુવાલ લઈ મ્યુનિસિપલ કમિશનરના બંગલે જઈ અને નાહવા માટે પાણી આપોના નારા લગાવી વિરોધ કર્યો હતો.શહેઝાદખાન પઠાણ, ઇકબાલ શેખ સહિતના કોર્પોરેટરો-લોકોએ કમિશનર બંગલાની બહાર બેસીને પાણી આપો, પાણી આપોના નારા લગાવ્યા હતા. કમિશનર હમારા લોચન સહેરા હે પાણી કે નામ પર બહેરા હેના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરો સહિત 15થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.