My samachar.in:અમદાવાદ
ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં અંગ દઝાડે તેવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે, પવનની દિશા બદલાતા તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે સમુદ્રી પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં હજુ 2 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હિટવેવની અસર જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની મોટી અસર વર્તાઈ રહી હતી. જો કે, ઠંડા પવનોની અસરથી હિટવેવનું પ્રમાણ ઘટતાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
તો બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસો દરમિયાન રાજ્યમાં સૂકા-ગરમ પવનોને કારણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. નોંધનીય છે કે, ઉનાળાની શરૂઆતે રાજ્યમાં કાળઝાળ ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ગરમીની આગાહીને પગલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વધતી ગરમીના કારણે રોજબરોજની લાઇફસ્ટાઇલમાં થોડો સુધારો કરવાની જરૂર છે. દિવસ દરમિયાન હિટવેવથી બચવા માટે, વધારે પાણી પીવું, બપોરે ઘરની બહાર ન નીકળવું, બહારનો નાસ્તો ન કરવો, પ્રમાણસર જમવું, બપોરે મજૂરી કામ ન કરવું, હાઇવે પર વાહન ન હંકારવા સહિતની તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે.