Mysamachar.in:અમદાવાદ
ક્યારેક એવા તસ્કરો ઝડપાય છે, જેની ગુન્હો કરવાની ખાસ પસંદ અને મોડસ ઓપરેન્ડી હોય છે, તાજેતરમાં જ બોટાદથી માત્ર ખેડૂતોના કપાસની ચોરી કરતા 4 શખ્સો ઝડપાયા બાદ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી માત્ર ને માત્ર છોટા હાથી વાહનની ચોરી કરતા બે આરોપીઓની પોલીસ ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ માત્ર છોટા હાથી વાહનને જ ટાર્ગેટ બનાવતા હતા. આરોપીઓ આ વાહનની ચોરી કર્યા બાદ તેને મોડીફાય કરી દેતા હતા અને આઇસ્ક્રીમનો ધંધો કરતા લોકોને ભાડે આપતા હતાઝોન 1 એલસીબી ટીમે બાતમીના આધારે મૂળ રાજસ્થાનના ઉદયરામ જાટ અને ભેરૂલાલ જાટ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ 4 છોટા હાથી ટેમ્પો અને બે મોબાઇલ એમ કુલ 10.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, સોલા વિસ્તારમાં બનેલ ચાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ માત્ર છોટા હાથીની ચોરી કરતા હતા. કારણ કે આ વાહનને મોડીફાય કરીને આઇસ્ક્રીમનો ધંધો કરતા લોકોને ભાડે આપતા હતા. ખાસ કરીને આ હેતુથી તેઓ છોટા હાથી વાહનની ચોરી કરતા હતા. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઉદયરામ જાટ નામનો આરોપી અગાઉ રાયપુર અને આમેટ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં અને ભેરૂલાલ જાટ પણ 15 વર્ષ પહેલાં મુંબઈમાં જ્વેલર્સમાંથી દાગીનાની ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે.હાલમાં પોલીસે પકડાયેલ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.