Mysamachar.in-અમદાવાદ
લોકોની લાલચનો લાભ લઈને બંટી-બબલીની જોડીએ 7 લાખ રૂપિયા પડાવ્યા છે. યુવાનોને હાઈપ્રોફાઈલ ગર્લ સાથે સંબંધ, ડેટિંગ અને ફિઝિકલ રિલેશનમાં લાવવાની લાલચ આપવામાં આવતી હતી. આ સાથે યુવાનોને આવા રિલેશનથી ઈન્કમ પણ કરવાની લાલચ આપવામાં આવતી હતી. એક યુવકને છોકરીઓ સાથે સેટીંગ, મીટિંગ અને શારિરીક સંબંધ બાંધવાની લાલચ આપી 7 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. જેની ફરિયાદ અમદાવાદ સાઈબર ક્રાઈમમાં નોંધાતા ટીમે તાત્કાલિક એક્શન લઈ બટી-બબલી જૈમિકા પટેલ અને આકાશ લાલવાણીને ઝડપી પાડ્યા છે.
આ બંટી-બબલીની જોડી ફેસબુક પર ફેક આઈડી બનાવી લોકોને છોકરી સાથે મિત્રતા કરાવવાની લાલચ આપી પૈસા પડાવતા હતા. જેમા અમદાવાદનો એક વ્યક્તિ ફસાયો હતો. ભેજાબાજે પ્રિયંકા પટેલ નામથી ફેક આઈડી બનાવી યુવક સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. થોડો સમય ચેટિંગ કર્યા બાદ પ્રિયંકાએ યુવકને પોતે એસ્કોટ કંપની ચલાવે છે અને છોકરીઓ સાથે સેટીંગ, મિટિંગ અને સંબંધ બનાવી પૈસા કમાવવાની ઓફર કરી હતી. યુવક સાથે મીઠી મીઠી વાતો કરી તેને આ કામ માટે મનાવી લીધો હતો.
ત્યારબાદ યુવક પાસે પ્રોસેસિંગ ફીના ભાગરૂપે 500 રૂપિયા ભરાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ તારીખે લેડીઝ સાથે મિટિંગ તેમજ સંબંધ બાંધવા માટે હોટલ રૂમનું ભાડું પણ ભરાવ્યું હતું. હીના પટેલ તેમજ સ્વેતા શાહ નામની મહિલાઓ સાથે મિટિંગ કરાવવા માટે યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. અલગ-અલગ નંબરો પરથી ફોન કરી યુવક સાથે વાતચીત કરી અને ફોન પે તેમજ બેંક એકાઉન્ટ આપી રૂપિયા 7 લાખ 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પૈસા આપ્યા બાદ પણ કોઈ યુવતી સાથે સંપર્ક ન કરાવતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને તેણે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપાયેલા આ બન્ને પાસેથી 3 ફોન તેમજ અનેક કંપનીઓના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ ચેક બૂક, આધાર કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. પુછપરછમાં સામે આવ્યું કે, આ બંને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ આઈડીઓ બનાવી અનેક લોકોને લૂંટી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે.