Mysamachar.in-અમદાવાદ
આજકાલ કેટલાય લોકો પોતાના ખીસામાં વધુ રોકડ ના રાખવી પડે તે માટે બેંકમાં નાણા રાખે છે અને જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે ATM સેન્ટર પર જઈ જોઈતા નાણા ATM મશીનમાં થી ઉપાડી લે છે, પણ ATM કાર્ડ ધરાવતા કેટલાક લોકોને ATMનો ઉપયોગ કરતા ના આવડતો હોય ત્યારે તે ATM મશીન નજીક રહેલા અન્ય શખ્સોની મદદ લે છે તેમાંથી કોઈ ખરેખર મદદ કરે પણ અમુક એવા તત્વો ATM સેન્ટર આસપાસ હોય છે જે આવી તકનો લાભ લઈને કાર્ડ બદલી અને નાણાની ઉઠાંતરી કરી લે છે.. આવા જ એક કિસ્સાનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે, ATM સેન્ટર નજીક મદદના નામે ATM કાર્ડ બદલીને લોકો સાથે ઠગાઈ કરતી ગેંગના ત્રણ શખ્સોને ઈસનપુર પોલીસે ઝડપી પાડી ATM ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ઈસનપુર પોલીસે શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ નામના ત્રણ આરોપીને ઝડપ્યા છે. આ શખ્સોએ શહેરના અનેક લોકોને મદદના નામે છેતર્યા છે. થોડા દિવસો પહેલા ઘોડાસર વિસ્તારમાં ATMમાં પૈસા જમા કરાવવા ગયેલા મહિલાને ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઉભેલા વ્યક્તિએ મદદ કરવાનું કહીને ATM કાર્ડ લઈને તે કાર્ડ બદલી અન્ય કાર્ડ આપી 40 હજારથી વધુ રકમ ઉપાડી ઠગાઈ કરી હતી. જેના CCTV સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરી.
ઝડપાયેલ શખ્સો અલગ અલગ વિસ્તારમાં ATM પાસે ઉભા રહીને વૃદ્ધો કે મહિલાઓ જે ATMમાં પૈસા કાઢવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પિન જોઈ લેતા. જે તે વ્યક્તિનું ATM કાર્ડ નાખી પૈસા ઉપાડી તેઓને આપી દેતા. બાદમાં તે વ્યક્તિનું ઓરીજીનલ ATM કાર્ડ લઈ લેતા અને ભળતું કાર્ડ આપી રવાના થઈ જતા અને તે વ્યક્તિના ઓરીજીનલ ATM કાર્ડમાંથી પૈસા કાઢી લઈ લોકોના નાણાં પડાવી લેતા. જે ભળતું કાર્ડ વ્યક્તિઓને આપે તે અગાઉ કોઈ સાથે ઠગાઈ કરી હોય તેનું કાર્ડ આપી દેતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 13 ATM કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રીક્ષા સહિત 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી 4 ગુનાનો ભેદ ઉકેલયો છે. હાલ ઈસનપુર, કાગડાપીઠ અને માધુપુરા વિસ્તારમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.