Mysamachar.in-અમદાવાદ
કોરોના અને લોકડાઉનના કારણે નોકરી છૂટતા અસંખ્ય લોકો બેરોજગાર બન્યા હતા. ત્યારે સુરતનો એન્જિનિયર અને કાયદો ભણેલી યુવતીએ બેરોજગારોને ઠગવાનો ધંધો શરૂ કર્યો હતો. નોકરી અપાવવાના બહાને બંનેએ મળીને ગુજરાતભરના 1700 બેરોજગારોને લૂંટી લીધા છે. અમદાવાદ સાયબર ક્રાઈમે સુરતના બંનેને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા બંનેની સગાઈ થઈ છે, જે સાથે મળીને બેરોજગાર લોકોને છેતરતા હતા.
આ યુગલ લગ્નગ્રંથી બંધાયએ પહેલા હાથકડીથી બંધાય ગયું છે.સુરતના એન્જિનિયર યુવાને લોકોને ડેટા એન્ટ્રી કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. હાલ આરોપી એવા યુવક અને યુવતી લગ્નના પવિત્ર બંધનથી બંધાયએ પહેલા બંનેના હાથમાં હાથકડી બંધાઈ ગઈ છે. કારણ કે કોરોનાના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે બેકાર બનેલા સુરતના એન્જિનિયર યુવાન હાર્દિક વડાલીયાએ રૂપિયા કમાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હતો.
આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબ સાઈટ પરથી નોકરી વાંચ્છુક યુવક યુવતીઓના નંબર મેળવતો અને ત્યાર બાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતો હતો. જો કે પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગ રૂપે હાથથી લખેલ પેજ મોકલી આપતો. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો. જો કે આ સોફ્ટવેર માટે તે સામેવાળા વ્યક્તિ પાસેથી માત્ર રૂપિયા 999 મેળવતો અને ત્યારબાદ છેતરપિંડી કરતો હતો.
આરોપી હાર્દિક વડાલીયાએ સિવિલ એન્જીનીયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેના આ આઈડિયામાં તેની મંગેતર રૂચિતા નારોલાને સામેલ કરી હતી. જે એલએલબીનો અભ્યાસ કર્યો છે. બંને આરોપીઓએ નોકરી વાંચ્છુક લોકોની ફોન કરવા માટે ચાર યુવતીઓને પણ નોકરીએ રાખેલ હતી. જ્યારે નોકરી માટે જરૂરિયાતમંદ લોકોના ડેટા તે જે તે વેબ સાઈટ પાસેથી રૂપિયા ચૂકવીને મેળવતો હતો. ત્યારે ગુજરાતના 1700 બેકાર યુવાન અને યુવતીને આ બંને છેતરી ચુક્યા છે. જેની કુલ રકમ 17 લાખ થવા પામી છે.
આરોપી ને જેલ ના સળિયા પાછળ ના જવું પડે તે માટે તે લોકો પાસેથી માત્ર 999 રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરતો હતો. જેથી કરીને આટલી નાની રકમ માટે કોઈ પોલીસ ફરિયાદ કરે નહિ. જો કે અમદાવાદ સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ એ પાંચ યુવતી અને એક યુવક એમ કુલ છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.