Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં સ્માર્ટફોનની જેમ જ લોકો એટીએમ કાર્ડ ધરાવતા હશે અને જરૂર પડ્યે એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડવા તેનો ઉપયોગ કરતા હશે, પણ આજના સમયમાં આવી દરેક સુવિધાઓનો લાભ લેવા સાથે સાવધાની વર્તવી ખુબ જરૂરી છે, અન્યથા તમારું ખાતુ સાફ પણ થઇ શકે છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, શહેરના આનંદનગર રોડ ઉપર આવેલા આનંદ નગર ફ્લેટમાં રહેતા 60 વર્ષીય દર્શનભાઈ જીએસટી ઓફિસર તરીકે નિવૃત્ત થયા છે.
તેઓ ગત ત્રીજી તારીખના રોજ સવારે આનંદનગર 100 ફુટ રોડ ઉપર આવેલા પુષ્પમ બિલ્ડિંગમાં આવેલા બેન્ક ઓફ બરોડા એટીએમ સેન્ટર પર તેઓ પૈસા ઉપાડવા ગયા હતા અને તેઓએ એટીએમમાંથી 10 હજાર ઉપાડ્યા હતા. એટીએમ મશીનમાંથી પૈસા આવ્યા હતા. જે પૈસા તેઓએ લઈ લીધા હતા અને તેમનું એટીએમ કાર્ડ મશીનમાં અટકી ગયું હતું. જે કાર્ડ તેઓએ ખેંચવા છતાં નીકળ્યું ન હતું. જેથી તેઓ એટીએમ સેન્ટરની બાજુમાં આવેલી બેંક ઓફ બરોડામાં આ બાબતની જાણ કરવા માટે ગયા હતા અને પરત આવતા જોયું તો કાર્ડ નીકળી ગયું હતું.
જેથી તે કાર્ડ તેઓએ લઈ લીધું હતું અને તેમની પાછળ ઉભેલા વ્યક્તિને પૈસા ઉપાડવાના હશે તેમ માનીને તે પૈસા ઉપાડી લે પછી તેઓ પૈસા ઉપાડશે તેમ માની તેઓ એટીએમની બહાર ઊભા હતા અને એક વ્યક્તિ પૈસા ઉપાડી ને ગયો બાદમાં તેઓ પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે તેમના એટીએમ કાર્ડનો પીન નંબર ઇનવેલિડ આવતો હતો. જેથી એટીએમ કાર્ડ જોતા જે એટીએમ કાર્ડ બીજાનું હતું અને મોબાઇલમાં તેઓએ બેલેન્સ ચેક કરતાં 10 હજાર ઉપાડ્યા બાદ બીજા 15,000 પણ તે જ એટીએમમાંથી તેમના ખાતામાંથી ઉપડી ગયા હતા.
જેથી પહેલીવાર તેઓ જ્યારે પૈસા ઉપાડતા હતા. ત્યારે તેમની પાછળ આશરે 30 વર્ષનો એક વ્યક્તિ ઊભો હતો. જેણે દર્શનભાઈની જાણ બહાર એટીએમ કાર્ડનો પીન નંબર જોઈ લીધો હતો અને તેઓનું એટીએમ કાર્ડ નીકળતું ન હોવાથી બેંકમાં જાણ કરવા ગયા ત્યારે આ શખ્સે એટીએમ કાર્ડ લઇ પૈસા વિડ્રોલ કરી ચોરી કરી બીજા કોઈનું કાર્ડ મશીનમાં મૂકી દીધું હતું. સમગ્ર બાબતને લઈને દર્શનભાઈ એ આનંદનગર પોલીસને જાણ કરતાં આનંદનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આરંભી છે.






