Mysamachar.in-અમદાવાદ
બે દિવસ પૂર્વે અમદાવાદના થલતેજના હેબતપુરમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યાએ ભારે ચકચાર જગાવી દીધી હતી અને પોલીસની વિવિધ ટીમો આરોપીઓને શોધવા કામે લાગી હતી અને અંતે પોલીસને ગણતરીની કલાકોમાં જ સફળતા મળી છે અને આ કેસના 4 આરોપીને ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી ઝડપી લીધા છે. હત્યા અને લૂંટ કર્યા બાદ ચારેય આરોપીઓ તેમના વતન ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમો તેમની પાછળ તેમના વતન પહોંચી હતી અને વારાફરથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જિલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી ઝડપાયા છે, જ્યારે એકને અમદાવાદના જનતાનગરમાંથી પકડવામાં આવ્યો છે.
સીનીયર સીટીઝન અશોકભાઈ અને જ્યોત્સના બહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારુ બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સનાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમો ગિઝોરા પહોંચી હતી. જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી,
જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરિતોને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવારનવાર દુબઈથી અમદાવાદ અવર-જવર કરતા હોવાથી તેમનું પાસે સોનુ વધારે મળવાની શકતા હોવાથી લૂંટારુઓ તેમના બંગલાને ટાર્ગેટ કર્યો હતો. જો કે તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તેઓ 3 મહિનાથી દુબઈ ગયા ન હતા.