Mysamachar.in-અમદાવાદ
અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં આઈટીના અધિકારી તરીકેની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 શખ્સોની અંતે ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ યૂપીના હોવાનું સામે આવ્યું છે.અને ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે, જોકે આ ઘટનામાં હજુ અન્ય 6 આરોપીઓ ફરાર છે જેને પકડવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.
અમદાવાદના બગોદરા વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીના રોજ ચાલુ એસટી બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીઓને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી લુંટને અંજામ આપનાર ગેંગના ચાર શખ્સો પોલીસને હાથ લાગ્યા છે, આરોપી ઉત્તરપ્રદેશમાંથી ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યા હતા અને નરોડાની એક હોટેલમાં રોકાયા હતા. આરોપીઓએ પેહલા રેકી કરી અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું છે,
આરોપીઓ લુંટને આયોજનબદ્ધ રીતે અંજામ આપી શકાય તે માટે પોતાની સાથે 3 હથિયાર પણ લઈને આવ્યા હતા. જોકે આ ગેંગના મુખ્યસૂત્રધાર આરોપી યોગેશ જાટ અને પુષ્કર સિંગ છે અને કર્મવીર સિંગ હથિયારની વ્યવસ્થા કરી હતી. પકડાયેલ આરોપીઓની 10 આરોપીઓની ગેંગ છે જેમાંથી 6 હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા તમામ આરોપીઓ તમામ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ મૂળના હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ ગેગની એમ.ઓ પણ આ પ્રકારની છે કે આ તમામ આરોપીઓ સૌ પ્રથમ રેકી કરતા અને ત્યારબાદ ભાડેથી એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર લઈ 6 લોકો નીકળતા.
જેમાંથી 2 લોકો બસમાં આંગડિયાના કર્મચારીઓ નજીક પેહેલે થઈ જ બેસી જતા. અને બાકીનાં સાગરીતો ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇન્કમટેક્સ અધિકારી બની જતા. તાજેતરમાં જ બનેલી આ ઘટનામાં આ ગેંગે બગોદરા પાસે જઈ ભોગ બનનારને IT ના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા.
બાદમાં ખેડા નજીક આરોપીઓએ કારને બિનવારસી રસ્તામાં મૂકી ફરાર થઇ ગયા. એટલું જ નહી પકડાયેલ આરોપીઓએ આગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટની કોશિશ કરી ચુક્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ગુન્હામાં 2.90 કરોડનો મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. જેથી હાલ પણ પોલીસની અલગ અલગ ટિમ કામે લાગી છે.ત્યારે ગેગની રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ગુન્હાઓ પરથી પરદો ઊંચકાઈ શકે તેમ પણ છે.