Mysamachar.in-અમદાવાદ
કોઈને બદનામ કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લેવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, અને સમયાંતરે સામે આવતા રહે છે, જેમાં યેનકેન પ્રકારે મહિલાઓને વિશેષ ટાર્ગેટ કરવામાં આવતી હોય છે, આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જે ચોકાવનારી ઘટના સામે આવી છે તેમાં ભોગ બનનાર પરિણીતાનો કોન્ટેક્ટ નંબર ઇન્સ્ટાગ્રામ પર એક પેજ પરની પોસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને નંબરની બાજુમાં 40/-hr. લખ્યું હતું. અનેક લોકોના ફોન આવવા લાગતા ગભરાયેલી મહિલાએ સાયબર ક્રાઇમને અરજી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના મોટેરામાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ યુપી નોઈડા ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે એક કંપનીમાં ફરજ બજાવે છે. જાન્યુઆરી માસમાં આ મહિલા તેમના પતિ પાસે ગયા હતા. ત્યારે ત્યાં તેમના પાડોશમાં એક યુવતી પુરુષ મિત્ર સાથે કઢંગી હાલતમાં ઉભી હતી. આ મહિલાને ચીડવવા આ બને લોકોએ વધુ હરકતો કરતા મહિલા ઘરમાં જતી રહી હતી. બાદમાં થોડીવાર પછી મહિલા બાલ્કનીમાં કપડા લેવા આવી ત્યારે આ યુવતી અને તેના પુરુષ મિત્રએ બીભત્સ હરકતો કરી હતી. જેથી મહિલાએ તેના પતિને આ બાબતે જાણ કરી અને બાદમાં મહિલા અમદાવાદ આવી ગઈ હતી.
એકાદ માસ બાદ આ મહિલાને તેના પતિ મારફતે જાણ થઈ કે એક આઈડી ધારકે આ મહિલાનો ફોન નંબર મૂક્યો છે. બીજા આઈડી પર પણ આ મહિલાનો કોન્ટેક્ટ નંબર કૉમેન્ટમાં મૂકી તેની બાજુમાં 40/-hr. લખ્યું હતું. લોકોના ફોન આવતા જ મહિલાએ તપાસ કરી તો whatsapp_desi_video આઈડી પેજ પર આ મહિલાનો કૉમેન્ટમાં નંબર હતો. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. મહિલાએ પોલીસ સમક્ષ નોઈડા ખાતે તેની જે પાડોશી હતી કે, જે પૂરૂષ મિત્ર સાથે બીભત્સ વર્તન મહિલાને બતાવવા કરતી હતી તેણે આ હરકત કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.સમગ્ર મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આ મહિલા વિશે તપાસ શરૂ કરી છે.