Mysamachar.in-અમદાવાદ
આજના ટેક્નોલોજીનાં સમયમાં દરેકના હાથમાં રહેલા મોબાઈલમાં જ દુનિયા સમાયેલી છે, પણ સોશ્યલ મીડિયા, ઈન્ટરનેટ સહિતનો જેટલો ઉપયોગ છે તેનાંથી વધુ દૂરઉપયોગના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, કેટલીક વખત દુર દેશોમાં બેઠેલા ગઠિયાઓ કોઈને ફોન મેસેજ કે ઈમેઈલ કરીને બેંક ખાતા સાફ કરી નાખે છે, ત્યારે આવા સાઈબરક્રાઈમનો ભોગ બનનાર લોકોની મદદ માટે સાઈબર સેલ સહિતના વિભાગો કાર્યરત છે, અને તે ભોગ બનનારની મદદ કરતા રહે છે, એક વર્ષ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો જેનાં થકી નાણાંકિય ઠગાઈના ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલીક મદદરૂપ થવાય અને તેનાં ગયેલા રૂપિયા જે-તે બેંક ખાતામાં જ ફ્રિજ કરી તેને પરત અપાવી શકાય.
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં સાયબર ક્રાઈમ મારફતે નાણાંકીય છેતરપીંડીનો ભોગ બનનારા 5167 લોકોનાં 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે. સૌથી વધુ ઠગાઈ ગૂગલમાં કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુગલ પર હજારો ફેક વેબસાઈટ પરથી નંબર લઈ લોકો મદદ માટે ફોન કરે છે તેવામાં ફ્રોડસ્ટર દ્વારા કોલ કરનારનાં ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લેવાય છે. સાયબર ક્રાઈમે એક વર્ષમાં 250થી વધુ ફેક વેબસાઈટ પણ બંધ કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમે 72 હજાર જેટલા ફેક બેંક ખાતા પણ બંધ કરાવ્યા તેમજ 100 જેટલા ફેક કસ્ટમર કેર નંબરો બંધ કરી અનેક લોકોને ઠગાઈથી બચાવ્યા છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, કસ્ટમર કેરમાં ફોન કરી છેતરપીંડી બાદ બીજા નંબરે સૌથી વધુ ઠગાઈ ડેબીટ કાર્ડ અને તે બાદ ક્રેડિટ કાર્ડ થકી છેતરપીંડીનાં કિસ્સાઓ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. OLX પર આર્મી જવાનની ઓળખ આપીને અથવા તો PAYTM KYC નાં નામે લોકો નાણાંકિય ઠગાઈનો ભોગ બની રહ્યા છે. સાયબર આશ્વાસત પ્રોજેકટ દરમિયાન છેલ્લાં એક વર્ષમાં 5100થી વધુ જેટલા નાગરિકોના 11 કરોડ જેટલી રકમ આરોપીઓના હાથમાં જતી અટકાવવામાં આવી છે.
સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સાયબર ક્રિમિનલ્સ એ સાઇબર ક્રાઇમ માટે ઉપયોગમાં લીધેલ 12200 મોબાઈલ નંબર અને 72,000થી વધારે બેન્ક એકાઉન્ટ નંબરનો ડેટા વેબસાઈટ ઉપર નાગરિકો માટે ઉપલબ્ધ કરેલ છે. ઉપરાંત નાગરિકો સરકારનો ભોગ ન બને તે માટે 242 વેબસાઈટ, 94 કસ્ટમર કેર ફ્રોડ સાઈટ, અને 852 OLX પરની ફેક આઈડી દૂર કરવામાં આવી છે.
જો છેતરપિંડીના બનાવની વાત કરીએ તો સૌથી વધારે બનાવ કસ્ટમર કેર ફ્રોડ ના બનાવ, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સંબંધિત ફ્રોડ, ઓએલએક્સ રિલેટેડ ફ્રોડ, અને પેટીએમ કેવાયસી ના નામે છેતરપિંડી ના બનાવો જોવા મળ્યા છે. આ પ્રોજેક્ટ માં એન્ટી બુલિંગ યુનિટ પણ કાર્યરત છે જે ખાસ કરીને સોશિયલ મીડિયા મારફતે ક્રાઇમનો ભોગ બનતા લોકો માટે કામ કરે છે. જેમાં પણ ગત વર્ષે લગભગ 2300 જેટલા કોલ્સ નોંધાયા છે. જો કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ થાય તો તાત્કાલિક 100 નંબર પર ફોન કરવા અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી સહાયતા મેળવી શકાય છે.