Mysamachar.in-અમદાવાદ
હાલ શિયાળાની મોસમ સોળે કળાએ ખીલી ઉઠી છે, એવામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ડાંગ, તાપી, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, નવસારી અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ એટલે કે તારીખ 8 થી 10 જાન્યુઆરી ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે,
ગુજરાત પર ફરી એકવાર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8 થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં હવામાને સ્પષ્ટ કર્યું છે કે 8 જાન્યુઆરીના ડાંગ તાપી નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, જ્યારે 9 જાન્યુઆરીના છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદમાં વરસાદની આગાહી કરી છે અને 10 જાન્યુઆરીના દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. આમ જો ફરી વાર કમોસમી વરસાદ વરસી પડે તો આ વિસ્તારના ખેડૂતોની માઠી દશા થઇ શકે તેમ છે.