Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ જેવા દોડતા અને ભાગતા શહેરમાં આજે એક અજીબોગરીબ કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં સાઉથ બોપલના એક બ્યુટી પાર્લરમાં કુર્તિ અને પ્લાઝો પહેરીને એક યુવક ઘુસી ગયો હતો. આટલેથી અટકવાના બદલે તેને મહિલાને એકલામાં વાત કરવા બહાર બોલાવી અને હાથ પકડીને મોઢું દબાવી દીધું હતું. મોઢા પર નકાબ અને સ્ત્રીના કપડાં હોવાથી મહિલા ઓળખી ન શકી. આખરે મહિલાએ બૂમો પડતાં તે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જો કે બાદમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે આરોપીને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે.
મળતી વિગતો કઈક એવી છે કે ઘુમા ગામમાં રહેતી 33 વર્ષીય યુવતી સાઉથ બોપલમાં બ્યુટી પાર્લર ધરાવે છે. તેના પાર્લરમાં અન્ય મહિલા હાજર હતી. બે મહિલા ગ્રાહકના કામ પતાવી આ 33 વર્ષીય યુવતી પાર્લરમાં ટીવી જોઈ રહી હતી. ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ત્યાં આવી હતી. જેણે મોંઢા પર માસ્ક અને દુપટ્ટો પહેરેલા હતા. આ વ્યક્તિએ સફેદ કુરતી અને કાળા રંગનો પ્લાઝો પહેર્યો હતો. આ વ્યક્તિએ મેરા એક કામ કરો તેવું કહેતા તેનો અવાજ પુરુષ જેવો લાગ્યો હતો. 33 વર્ષીય મહિલાને અવાજ પરથી તે પુરુષ હોવાનું લાગ્યું હતું. અને કપાળ પર કાપેલા વાળ પરથી તે પુરુષ હોવાનું લાગતા તેને બહાર આવીને વાત કરવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટના પાર્લરના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે જેને આધારે તપાસ શરુ કરાઈ છે.