Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં નકલી માર્કશીટના કૌભાંડ બાદ નકલી આર.સી.બુકનું એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે, અમદાવાદ ગ્રામ્ય વિઠ્ઠલાપુર પોલીસે નકલી આર.સી. બુક બનાવતી ગેંગની ધરપકડ કરી છે. આરોપીઓ રાજ્યના અલગ અલગ આરટીઓની આર.સી. બુક ફક્ત વાહન નંબરના આધારે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર વાહન માલિકની જાણ બહાર બનાવી આપતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, આ શખ્સો પાસેથી 1,500થી વધુ જેટલી અલગ અલગ પ્રકારની આર.સી. બુક પોલીસે કબજે કરી તપાસણી શરુ કરી છે,
પોલીસ ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે વિક્રમ ઉર્ફે વિકી પાટીદારની ધરપકડ કરી છે. આરોપી વિક્રમ ઘોડાસર ખાતે અર્પણ રો-હાઉસમાં રહે છે અને સુભાષબ્રિજ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરે છે. આરોપી બીજા આરટીઓ એજન્ટ પાસેથી નકામી આર.સી. બુક રૂપિયા 20થી 25માં ખરીદી કરતો હતો અને ડમી આર.સી. બુક બનાવવા માટે ગ્રાહક શોધી લાવી પોતાનું કમિશન રાખી ડમી આર.સી. બુક ધર્મેન્દ્ર પટેલ પાસે બનાવતો હતો. પોલીસે આરોપી ધર્મેન્દ્ર પટેલની પણ ધરપકડ કરી છે. આ આરોપી વિક્રમ નામના આરોપી પાસેથી સ્ક્રેપ આર.સી. બુક ખરીદી વિક્રમ તથા તેના જેવા અન્ય આરટીઓ એજન્ટો પાસેથી ગ્રાહકોની આર.સી. બુક બનાવવાનું કામ લઈને ચિરાગ ચૌહાણ નામના આરોપી પાસે જતા હતા.
આરોપી ચિરાગ ચૌહાણની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપી ચિરાગ મહેસાણામાં કોસ્મેટિકનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ચિરાગ આરોપી ધર્મેન્દ્ર પટેલ નામના આરોપી પાસેથી સ્ક્રેપ આર.સી. બુક ખરીદી તે આર.સી. બુક પર પાણી લગાડી તેના પર બ્લેડ ઘસી આર.સી બુકને કોરી કરીને ધર્મેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવતા વાહન નંબરની વિગત એમ પરિવહન નામની એપ્લિકેશન પર ફોર્મ નંબર 23માંથી માહિતીઓ મેળવી આર.સી. બુકમાં જરૂરી માહિતી પોતાના લેપટોપમાં રાખી કાર્ડ પ્રેસો નામના સોફ્ટવેરમાં ફીડ કરી તેની પ્રિન્ટ કાઢી આ આર.સી. બુક ધર્મેન્દ્ર પટેલને પહોંચાડતો હતો.
હાલ પોલીસે ડમી આર.સી. બુક 39, કોરી કરેલી આર.સી બુક 230, સ્ક્રેપ આર.સી બુક 955 તથા લેપટોપ, પ્રિન્ટર, વાયરલેસ માઉસ તથા ત્રણ ફોનનો મુદ્દામાલ કબજે કરી આ કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે. 20થી 25 રૂપિયામાં ખરીદેલી સ્ક્રેપ આર.સી. બુકને ડમી બનાવી તેને ત્રણ હજારથી 3,500 રૂપિયામાં આરોપીઓ વેચતા હતા. આ ડમી આર.સી. બુકનો ઉપયોગ ફાઇનાન્સના માણસો કે સિઝર તથા વાહન લે-વેચ કરતા હોવાનું સામે આવ્યું છે.