Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં કોરોનાના કેસ થોડા શું ઘટ્યા કેટલાય લોકો એવું માની રહ્યા છે કે હવે કાઈ નહિ થાય….પણ આ વાસ્તવિકતા નથી તેવું સાબિત અમદાવાદના કિસ્સામાં થઇ ચુક્યું છે, જ્યાં એક બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોને કોરોના પોઝિટિવ આવતા મજા સજામાં ફેરવાઈ છે, નારણપુરામાં એક પરિવારે સોમવારે બર્થડેની ઉજવણી માટે નિકટના પરિવારજનો અને મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી અગાઉ કેક કાપવાની અને કેન્ડલને ફૂંક મારવાની ના પાડી હતી,
પરંતુ પરિવારના કેટલાક સભ્યો યુવકની મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા જે મેજિકલ કેન્ડલને વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી એ રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેને કારણે આ પાર્ટીમાં જોડાયેલા 22 લોકોનો 5 દિવસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું જાણવા મળે છે, સૌથી મોટી બાબત જ એ છે કે જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતાં તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. આમ કોરોનાકાળમાં બર્થડે પાર્ટી ઉજવવી ભારે પડી હોવાનો આ ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે.