Mysamachar.in-અમદાવાદ
અત્યાર સુધી આપણે સાંભળતા કે નકલી પોલીસ પુરુષ જ હોય અને તે તોડ કરવા કે સીન જમાવવા જાય પરંતુ પોતે પોલીસના હોવા છતાં પણ પોલીસની ઓળખ આપી ચાર મહિલાઓ તોડ કરવા તો ગઈ પરંતુ ખેલ ઉંધો પડી ગયો અને ચારેયને પોલીસ લોકઅપમાં ધકેલાવવાનો વારો આવ્યો છે, વાત કઈક એવી છે કે અમદાવાદના ખાડીયામાં એક 50 વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે.
પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવેપાર કરતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ છોડી દીધું હોવા છતાં પોલીસની ઓળખ આપી ચાર યુવતી તેના ઘરમાં ઘૂસી ગઈ હતી. જે બાદમાં મહિલાને ધમકાવી હતી અને દેહવેપાર કરાવતી હોવાથી 30 હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. ચારેય યુવતીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
50 વર્ષીય મહિલાને પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તેણી ઘરે દેહવેપાર કરતી હતી. જોકે, હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દીધો છે. જ્યારે દેહવેપાર કરાવતી હતી ત્યારે તેને ત્યાં પ્રીતિ જાદવ નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ દેહવેપાર કરતી હતી. ગઈકાલે આ 50 વર્ષીય મહિલા તેના ઘરે હતી ત્યારે પ્રીતિ જાદવ નામની યુવતી અન્ય ત્રણ યુવતીઓ સાથે આવી હતી.
બાદમાં આ મહિલાના ઘરનું બારણું ખખડાવી તેને બહાર બોલાવી હતી. મહિલાના ઘરે આવેલી ચાર યુવતીઓ સાદા ડ્રેસમાં હતી અને મોઢા પર દુપટ્ટા તથા માસ્ક પહેરીને આવી હતી. પ્રીતિ નામની યુવતીએ 50 વર્ષીય મહિલાને પોતે તથા તેની સાથે આવેલી તમામ યુવતીઓ પોલીસ હોવાનું કહી મહિલા પર રોફ જમાવ્યો હતો.
આ ચારેય લોકોએ મહિલાને કહ્યું કે, તું ઘરે દેહવેપાર કરે છે અને તારા વિરુદ્ધમાં અરજી આવેલી છે. જેથી આ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણીએ જણાવ્યું કે તેણી પહેલા આવું કરાવતી હતી. હાલમાં છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરતી નથી. જેથી આ ચાર છોકરીઓએ સમાધાન કરવું હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ મારવાની ધમકી આપી હતી.
જે બાદમાં મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા હતા અને બાદમાં ખાડિયા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી હતી. ખાડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના ઘર પાસેથી આરોપી મહિલા પ્રીતિ જાદવ, પ્રિયંકા મકવાણા, અંકિતા પરમાર, દિપાલી પરમારની ધરપકડ કરી આ પોલીસના હોવા છતાં પોલીસની ઓળખ આપતી મહિલાઓએ અન્ય કોઈને નિશાન બનાવ્યા છે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.