Mysamachar.in-અમદાવાદ
આમ તો સાસુ વહુના ઝઘડામાં વધુ પડતા કિસ્સાઓમાં સાસુની કારી ફાવી જતી હોય છે, પણ વહુ માથાભારે હોય તો…? આવો જ એક કિસ્સો આજે રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં પુત્રવધૂએ સાસુને રોડ મારીને તેમની હત્યા કર્યા બાદ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો, જે બાદ દોઢ કલાક સુધી પુત્રવધૂ લોહી સાફ કરતી હતી અને પતિ બારીથી અંદર આવી જતા હત્યાનો ખુલાસો થયો હતો.
અમદાવાદ શહેરના ગોતામાં આવેલા રોયલ્સ હોમમાં 103 નંબરનાં મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે, પાડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહિ અને અચાનક અવાજ શાંત પડી ગયો. પાડોશીઓને લાગ્યું કે, ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદર બાજુ તો ખૂની ખેલ ખેલાયો હતો. પુત્રવધુએ સાસુને મોતના ઘાટ ઉતારી દીધી હતી. આરોપી પુત્રવધૂ નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને પુરાવાઓનો નાશ કરવાની પૈરવી પણ કરી હતી.
આ ઘટના દરમ્યાન નિકિતાનો પતિ દિપક સીડીઓથી ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે માતાની લાશ લોહીમાં લથપથ હતી. સોલા પોલીસે સાસુની હત્યાને લઈને પુત્રવધૂ નિકિતાની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનનો આ અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હોવાનું જાણવા મળે છે, લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહિ દેતા તેમજ મ્હેંણાં ટોણા મારતા હતા. જેથી હત્યા કરી હોવાનું નિકિતાએ પોલીસ તપાસમાં જણાવ્યું. સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી છે. નિકિતા ગર્ભવતી હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે આ હત્યા સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણ છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
-હત્યારી પુત્રવધુ છે ગર્ભવતી…
જેને પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી તે હત્યારી પુત્રવધુ બે માસથી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે.સાસુ વહુના ઝઘડાએ હત્યા સુધીનું સ્વરૂપ ધારણ કરી લેતા પરિવાર પર આઘાતમાં ગરકાવ થયો છે.