Mysamachar.in-અમદાવાદ
આજનો સમય દેખાદેખીનો વધુ છે, તેમાં પણ ખાસ કરીને યુવાઓમાં દેખાદેખી વધુ જોવા મળતી હોય છે, આવી જ દેખાદેખી અને પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા કાર ચોરીનો પ્રયાસ કરવો એક યુવકને ભારે પડી છે, અને તેના પર કાર્યવાહી થઇ છે, આ ઘટના અમદાવાદની છે જ્યાં રામોલ પોલીસ મહેશ રામ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જેને રાજસ્થાનમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને છ માસ નોકરી કરી હતી ત્યારબાદ નોકરી છૂટી જતા બેકાર એન્જિનિયરએ ચોરી કરવાની કળા વિકસાવી હતી. પણ આ ચોરી કરવાની કળામાં પહેલી વાર હાથ અજમાવા જતા તે ઝડપાઈ ગયો છે,
રામોલ વિસ્તારમાં આવેલા એક કાર શોરૂમમાંથી મહેશ કાર લઈને ભાગવા જાય તે પહેલા જ ઝડપાઇ ગયો હતો. બન્યું એવું કે મહેશ શૌચાલય જવાના બહાને કાર શોરૂમમાં પાછળ સર્વિસ સેન્ટર પાસે પહોંચ્યો હતો. ત્યાં એક કારમાં ચાવી લાગેલી હોવાથી તે ચાલુ કરીને નીકળતો હતો. પણ સિક્યોરિટી ગેટ પર સતર્કતાથી અને ગેટ પાસેની સિસ્ટમને કારણે આ બેકાર એન્જિનિયર કાર લઈને ન નીકળી શક્યો અને રામોલ પોલીસને જાણ કરાતા પોલીસે મહેશ પર ચોરીના પ્રયાસના ગુનામાં ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીએ પોતાની સ્ત્રી મિત્રને કારમાં ફેરવા માટે આ કાર ચોરીનો પ્રયાસ કર્યો હતો.