Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં જો જરાક ચૂક થાય તો પણ ગઠિયાઓ તમને લુંટવા તૈયાર જ બેઠા હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડના વૃદ્ધ સાથે બન્યો છે. જયારે વૃદ્ધ એટીએમ સેન્ટરમાં પૈસા કાઢવા ગયા ત્યારે 10 હજાર એક સાથે ન નિકળ્યા જેથી ત્યાં ઉભેલા શખ્સે મદદ કરવાના બહાને કાર્ડ બદલી 1.70 લાખની ઠગાઈ આચરી હતી. પાસબુકમાં એન્ટ્રી કરતા વૃદ્ધને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતા સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કિસ્સો ચેતવણીરૂપ એટલે પણ છે કે એટીએમ સેન્ટરમાં જઈને કોઈની મદદ લેવી જોઈએ નહીં, આ મદદ ભારે પડી શકે છે. તેનું આ ઉદાહરણ છે, 79 વર્ષીય બીકનરાવ યેવલે રેલવે ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા છે. ગત 15મીના રોજ તેઓને નાણાંની જરૂર ઉભી થતા તેઓ એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર પર ગયા હતા. તેઓએ એટીએમ કાર્ડ નાખીને 10 હજાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ પૈસા ઉપડયા ન હતા. જેથી બાજુમાં બેંકમાં જઈને તપાસ કરી હતી. બાદમાં તેઓ પરત એટીએમ સેન્ટરમાં આવ્યા ત્યારે ત્યાં સફેદ કપડામાં એક શખ્સ ઉભો હતો. તેણે મદદ કરવાના બહાને વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ શખ્સે કોઈપણ રીતે ભેજું વાપરી વૃદ્ધના ખાતામાંથી નાણા ઓળવી લીધાની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે.