Mysamachar.in-અમદાવાદ
આપને ત્યાં સામાન્ય રીતે આગ લાગે પછી કુવો ખોદવાની નીતિ ફાયર તંત્રની કેટલાય કિસ્સાઓમાં સામે આવતી હોય છે, તેમાં પછી સુરતની તક્ષશીલાની ધ્રુજાવી દેનારી ઘટના હોય કે પછી અમદાવાદની શ્રેય અગ્નિકાંડની ઘટના…અમદાવાદની શ્રેય હોસ્પીટલની ઘટના બાદ હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં સરકારે રાજયભરમાં ફાયર સેફટી અંગે શું પગલા લીધા તેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. સરકારે રજુ કરેલા રીપોર્ટમાં રાજ્યના 8 કોર્પોરેશનની 48410 બિલ્ડિંગમાંથી 27269 ઇમારતો પાસે ફાયર એનઓસી નથી. અમદાવાદમાં 27322 બિલ્ડિંગમાંથી 18912 ઇમારતો પાસે એનઓસી નથી. અત્યાર સુધી મંજૂર થયેલી અને ખાલી પડેલી કુલ 672 ફાયર ઓફિસર્સ સહિતની જગ્યા પર ભરતી કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે.
સરકારે જણાવ્યું છે કે તમામ 8 કોર્પોરેશનને ફાયર સેફટી એક્ટ હેઠળ સમાવાયા છે. ફાયર સેફટીના સાધનો વસાવવા સરકારે રૂ.16.80 કરોડ ફાળવ્યા છે. ફાયર સેફ્ટી સર્ટીફિકેટ લેવા માટે પોર્ટલ બનાવવામાં આવશે. જીપીએસસી દ્વારા રીજનલ ફાયર ઓફિસર અને આસિસ્ટન્ટ ડિરેકટરની ભરતી માટે જાહેરાત પણ આપવામાં આવી છે. શ્રેય હોસ્પિટલમાં આઇસીયુમાં લાગેલી આગને કારણે 8 લોકોના મોત નિપજ્યાં હતાં. આ બનાવ બાદ હાઇકોર્ટમાં હોસ્પિટલના સત્તાવાળાઓ સામે અને કોર્પોરેશન કે ફાયરના જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે હોસ્પિટલની ફાયર સેફટીના સાધનોની તારીખ પૂરી થઈ ગઈ હતી. એનઓસી નહી હોવાથી ફાયર સેફટીના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ.
જે રીપોર્ટ સરકારે આપ્યો છે તે મુજબ ગાંધીનગરમાં કુલ 709 ઇમારતોમાં થી 587 પાસે noc નથી, વડોદરામાં 858 ઇમારતોમાંથી 68 ઇમારતો પાસે noc નથી, તો ભાવનગરમાં 361માં થી 70 પાસે noc નથી, સુરતમાં 17853માં થી 7279 પાસે noc નથી જયારે જામનગર શહેરની 507માં થી 221 પાસે noc ના હોવાનું સામે આવ્યું છે.