Mysamachar.in-અમદાવાદ:
દેના વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે…આ વર્ષે રાજ્યમાં આવી જ કઈક સ્થિતિ કુદરતે કરી છે, અને ચોમાસાની ઋતુ જાણે પૂર્ણ થવાનું નામ જ નથી લેતી, એવામાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ ની વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. વરસાદના કારણે હાલ પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 22 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય બન્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાઈ અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદ લાવ્યું હતું. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચતા નબળી પડી હતી અને લો પ્રેશરમાં ફેરવાઈ હતી. પરંતુ ગુજરાતના દરિયા પાસે પહોંચતા જ તેને ભેજ મળતા ફરી મજબૂત બન્યું હતું. જે બાદ આગળ વધતા ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જેને કારણે સૌરાષ્ટ્રમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. આગાહી પ્રમાણે, 20મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 21 અને 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં રાજ્યના અંદાજે 100 જેટલા તાલુકાઓમાં 1 મીમીથી 4 ઈંચ જેટલો વરસાદ પડયો છે. કમોસમી વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. અને ખેતીના પાકોને વ્યાપક નુકશાની થઇ છે.