Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમા બોગસ સર્ટી અને માર્કશીટો બનાવવાના ઉપરાછાપરી કૌભાંડો વિવિધ જિલ્લાઓમાંથી ઉજાગર થઇ રહ્યા છે, ત્યારે આવા જ વધુ એક કૌભાંડનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે, ગુજરાત ફાર્મસી કાઉન્સિલની વેબ સાઈટ હેક કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીફિકેટના આધારે ફાર્માસિસ્ટના સર્ટી બનાવી આપતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઝડપાયેલી આ ટોળકીનો માસ્ટર માઇન્ડ મૃગાંક ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ યુનિવર્સિટીની માર્કશીટ આવનાર ગ્રાહક પાસેથી બનાવી 5 થી 7 લાખ રૂપિયામાં બનાવી આપતો હોવાનું સામે આવ્યું છે.
મૃગાંક ઉર્ફે પોલી ચતુર્વેદી, મનોજ ઉર્ફે પીંકુ ચૌહાણ, જૈમીન પંડ્યા અને વિરલ જયસ્વાલ નામના આ ચાર શખ્સોની ટોળકી વિદેશ જવા માટે ઇચ્છુક વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતી અને અલગ-અલગ યુનિવર્સિટીના પેજ તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલની વેબ સાઇટ ને હેક કરી તેમાં ઓનલાઇન એન્ટ્રી કરી ડુપ્લીકેટ માર્કશીટને ઓરીજનલ સાબિત કરવાનું કામ કરતી.આ ગેગનો મુખ્ય આરોપી મૃગાંક ઉર્ફે પોલી ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે લાખો રૂપિયા આવી રીતે કમાતો હતો. જે અંગે સાયબર ક્રાઇમની ચોક્કસ માહિતી મળતા આખી ટોળકીને ઝડપી પાડી છે,.
ગુજરાત રાજ્યના ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટાર જે.એચ.ચૌધરી એ ફરિયાદ કરી ફાર્મસીની ડુપ્લીકેટ માર્કશીટ બનતી હોવાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી જે એમ યાદવ ના કહેવા પ્રમાણે 15 દિવસ પહેલા સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા હકીકત સામે આવી હતી કે બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, માર્કશીટ અને ડિગ્રી સર્ટીફિકેટ ને સાચા બનાવી ફાર્મસી કાઉન્સિલ માં ઉપયોગમાં લેતી ટોળકી આ કામ કરી રહી છે. ચારેય આરોપીઓની ટોળકી ભેગા મળીને લાખો રૂપિયા વેબસાઈટ હેક કરી અને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી કમાતા હતા.
હાલ તો આ ચારેય આરોપીઓ પાસેથી આર.કે યુનિવર્સિટી ની બનાવટી માર્કશીટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અને માઈગ્રેશન સર્ટીફિકેટ સહીત 10 જેટલા ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે.રાજ્યભરની અને યુનિવર્સિટીના ડુપ્લીકેટ માર્કશીટ અને માઈગ્રેશન સર્ટીફિકેટ બનાવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ઉપરાંત ભારતની 30 જેટલી યુનિવર્સિટીના પણ સર્ટી બનાવ્યા હોવાથી પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે.