Mysamachar.in-અમદાવાદ
એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા જતાં હોય ત્યારે તેમાં કંઈ ખબર ન પડતાં આપણે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ લેતાં હોઈએ છીએ. પણ આવી મદદ કઈ રીતે મુસીબત બની જાય તેનો એક કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જયારે એક યુવતી ATMમાં પૈસા ઉપાડવા ગયેલી ત્યારે તેની મદદ કરવાના બહાને અજાણ્યા વ્યક્તિએ યુવતીનું એ.ટી.એમ.કાર્ડ બદલીને રૂપિયા 40,000ની છેતરપિંડી કરી હતી. અમદાવાદના મેઘાણીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં રીટાબહેન રાય જયારે SBIના ATMમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા તે વખતે એક અજાણ્યા વ્યક્તિએ તેમને મદદ કરવા કાર્ડ લઈ તેમનો પાસવર્ડ મેળવી લીધો હતો. પછી રીટા બહેનનું ધ્યાન ચૂકવી એટી.એમ.કાર્ડ પણ બદલી નાખ્યું. થોડી જ વારમાં રીટાબહેનના ખાતામાંથી રૂપિયા 40,000 કાઢી લેવાયા હતા. જેની તેમને ખબર પડતા તેઓએ પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિગતોના આધારે તપાસ ચાલુ કરી છે.