Mysamachar.in-અમદાવાદ
સામાન્ય રીતે દારૂ પીવાની ટેવ ધરાવતા પતિઓ પત્નીને માર મારતા અને પરેશાન કરતાં હોવાના કેટલાક કિસ્સાઓ ક્યારેક ક્યારેક પ્રકાશમાં આવતા હોય તો ક્યારેક ઘર તૂટવાની બીકે ઘરમાં જ રહેતા હોય છે, પરંતુ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પત્ની દારૂ પી પતિને મારતી હોવાની અને દારૂ પીધા બાદ પત્ની પતિના કાર્યસ્થળે જઈ ધમકી આપતી હોવાની તેમજ મહિલાઓના કાયદાઓનો દૂર ઉપયોગ કરી હેરાન કરવાની ઘટનાની એક ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોચી છે,
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે, પરિવારજનો મનાઈ કરી હોવા છતાં યુવકે વર્ષ 2018માં તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પતિ પત્ની અલગ રહેવા ગયા હતા. તેઓ અવાર નવાર યુવકના માતા-પિતાના ઘરે જતા હતા. લગ્નના થોડા દિવસો બાદ પતિને તેની પત્ની દારૂ પીવાની આદતની જાણ થઇ અને પછી માતા-પિતા સાથે રહેવા જતા રહ્યા. પરંતુ સંયુક્ત પરિવારમાં ગયા બાદ યુવતી તેનાં સાસુ-સસરાને માનસિક ત્રાસ આપવા લાગી હતી. યુવકની પત્ની અવાર નવાર દારૂ પી પતિના કારખાને પહોંચી જતી અને તેને બિભત્સ ગાળો પણ આપતી. યુવકે આ માટે પત્નીને ખૂબ સમજાવી પણ તે ન માની.
થોડા દિવસો પૂર્વે જયારે યુવકના પિતાને કોરોના થયો હતો ત્યારે ઉપરના માળે રહેતી પત્ની માતા-પિતાની સારવાર કરવા પતિને ન જવા દેતી. માતા-પિતાનો એક માત્ર સંતાન હોવા છતાં તેમની સારવાર કરવા ન જવા દેતા પતિ-પત્ની વચ્ચે કાયમ આ મુદ્દે તનાવ રહેતા હતો. ત્યારબાદ યુવતી દારૂ પી પતિને માર પણ મારતી હતી તથા તેને કાયદાનો ડર બતાવતી. હવે જે મકાનમાં પતિ અને તેનો પરિવાર રહે છે તે મકાન યુવતી પોતાના નામે કરવાની ધમકીઓ પણ યુવકને આપતી હતી. પત્નીની વારંવાર દારૂ પીવાની ટેવ અને મારથી ત્રાસેલા પતિએ પોલીસ મથકમાં અરજી કરી હતી. પતિએ જે અરજી કરી છે તેમાં તેની પત્ની તેને વારંવાર મરી જવાની ધમકી આપે છે.
તે નશો કર્યા બાદ તેને માર પણ મારે છે. ઉપરાંત તેને કંઈ કહેશું તો તે મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરીને તેને પકડાવી દેશે એવી ધમકી આપે છે. અરજી બાદ પોલીસે તપાસ શરૂ કરી જેમાં આ બધી વિગતો સામે આવતાં આ મામલે પોલીસે આગળ કાર્યવાહી કરી હતી. જો કે અંતે આ મામલે સમાધાન થઈ જતા બન્ને ફરી સાથે રહેવા લાગતા આ મામલો હાલ પુરતો અહી પૂર્ણ થાય છે.