Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, તાજેતરમાં જ એક મોટીગેંગનો પર્દાફાશ અમરેલીમાં થયો હતો, ત્યાં જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જે પોલીસ ચોપડે ચઢ્યો છે, શહેરના ઓઢવ વિસ્તારમાં સુરતના બે વેપારીઓને માર મારી રૂપિયા 50 લાખની ખંડણી માંગતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે, આરોપીઓએ આ બંને વેપારીઓને સુરતથી અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. જે બાદમાં એક જગ્યાએ લઈ જઈને બંનેને માર માર્યો હતો. આ દરમિયાન દક્ષા નામની એક મહિલાએ આરોપીઓને ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો વાયરલ કરી દઈશ. જે બાદમાં ફરિયાદી વેપારીએ તેના ભાઈ પાસેથી પૈસા મંગાવ્યા હતા.
સુરત જકાતનાકા પાસે રહેતા મહેશ નાદિયાએ ફરિયાદ આપી છે કે 25મી ઓગસ્ટના રોજ તેના મિત્ર કમલેશ ગોહિલ દક્ષા દેસાઈ નામની કોઈ મહિલાને લઈને તેમની ઓફિસ આવ્યા હતા. કમલેશે કહ્યુ હતુ કે તે દક્ષાબેન સાથે ભાગીદારીમાં અમદાવાદમાં કામ કરે છે. આમ કહીને કમલેશે ફરિયાદી પાસે રૂપિયા બે લાખની માંગણી કરી હતી. જોકે, લોકડાઉન બાદ ધંધો ન હોવાથી ફરિયાદીને ચેતન દેવા પાસે જૂના વેપારના રૂપિયા બાકી હોવાનુ કહ્યું હતું. જ્યારે કમલેશ ચેતન દેવાને ઓળખતો હોવાથી આ પૈસા તે અપાવી દેશે તેમ કહ્યું હતું. 12મી સપ્ટેમ્બરના રોજ કમલેશે ફરિયાદીને ફોન કર્યો હતો કે ચેતન દેવાનો ભાઈ કાલે અમદાવાદ આવે છે. તમે પણ આવી જજો. એટલે બીજા દિવસે ફરિયાદી તેના ભાગીદાર ભાવેશ કપોપરા સાથે અમદાવાદ આવ્યા હતા. કમલેશે આ બંનેને વિરાટનગરની એક ઓફિસમાં બોલાવ્યા હતા.
જ્યાં દક્ષાબેને મહેશભાઈ અને તેના ભાગીદારના મોબાઈલ છીનવી લીધા હતાં અને ખિસ્સામાં રહેલા નવ હજાર પણ લઇ લીધા હતા. બાદમાં બંનેને માર મારી ધમકી આપી હતી કે જો રૂપિયા 50 લાખ નહીં આપો તો હું મારી સાથે તમારા નગ્ન ફોટો પડાવી વાયરલ કરી દઈશ. એટલું જ નહીં જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી ગભરાઈ જઈને ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી રૂપિયા માંગ્યા હતા. જેથી તેના ભાઈએ પાંચ લાખ આપવાનું કહ્યું હતું. જોકે, ફરિયાદીના ભાઈને કંઇક અજુગતું લાગતા તેણે આંગડિયા પેઢીમાંથી બોલતા હોવાનો બનાવટી ફોન કરી પાંચ લાખ મળી ગયાની જાણ આરોપીઓને કરી હતી. બાદમાં ફરિયાદીએ પરિવારજનોને આ બાબતની જાણ કરતા સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં પોલીસે આ બાબતે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.