Mysamachar.in-અમદાવાદ
હવસખોરો પોતાની હવસને સંતોષવા માટે કોઈ પણ હદ સુધી જતાં હોય છે. આવો જ એક પોતાના આંતરિક ઉન્માદને પૂરા કરવાના પ્રયાસની બાબત સામે આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટીના બસ સ્ટેન્ડ પર ગત 12મી સપ્ટેમ્બરના બેસેલ એક વિદ્યાર્થિની સાથે પોતાની હવસને સંતોષવાનો પ્રયાસ AMTS બસના ડ્રાઇવરે કર્યો હતો. અમદાવાદ શહેરમાં AMTSમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હાર્દિક એક વિદ્યાર્થિની પાસે જઈને બેસી ગયો હતો અને તેણીનું માસ્ક કાઢી લીધું હતું. પછી વિદ્યાર્થિની પાસે અશ્લીલ માંગણીઓ કરીને ચેનચાળા શરૂ કર્યાં હતા. તેણીને બાથમાં લેવાની કોશિશ પણ કરી હતી. ત્યારબાદ હાર્દિકે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઈ પોતાના મોબાઈલમાં મિસ્કોલ કર્યો હતો અને પછી ત્યાંથી નીકળી ગયો હતો.
વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલતી હોવાથી તે યુનિવર્સિટી આવતી હતી. પોતાની સાથે બનેલાં બનાવથી તે એકદમ ગભરાઈ ગઈ હતી. જે તે વખતે તેણીએ આ વાતની કોઈને જાણ કરી ન હતી. આ હવસખોરે વિદ્યાર્થિનીને ફોન કરી બસ સ્ટેન્ડે મળવા માટે બોલાવી. વિદ્યાર્થિનીએ આવતાં પહેલાં બસ સ્ટેન્ડની નજીક હાજર સી ટીમની મહિલા પોલીસને સમગ્ર બાબતની જાણ કરી દીધી હતી. મહિલા પોલીસે એ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સિવિલ ડ્રેસમાં વોચ ગોઠવી હતી. આરોપી આવતા જ તેને પકડી લેવામાં આવ્યો. આરોપી હાર્દિકના છૂટાછેડા થાય હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.