Mysamachar.in-અમદાવાદ
આફતને અવસરમાં પલટનારા લોકોની કમી હોતી નથી, હાલ કોરોના મહામારી ચાલી રહી છે એવામાં માસ્ક અને હેન્ડસેનેટાઇઝરનો ઉપયોગ ફરજીયાત નિયમોની અમલવારીને કારણે વધ્યો છે, એવામાં જે કેટલાક લોકો એવા છે જે પૈસા ખર્ચીને સારા ગુણવતાયુક્ત માસ્ક પહેરવાનો આગ્રહ રાખે છે, પણ તેને ક્યાં ખબર છે કે તેને પહેરેલું માસ્ક ડુપ્લીકેટ છે કે અસલી….? કેટલાક શખ્સો બનાવટી માસ્કનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે. બાપુનગર પોલીસે વિસ્તારમાંથી 3M 8210 કંપનીના બનાવટી માસ્કનો જથ્થો પકડી પાડયો છે,
પોલીસે હર્ષ કોરાટ અને નિકુંજ પટેલની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ દરોડાં દરમિયાન પોલીસને 42 બોટલ વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપી આ બનાવટી માસ્કનો જથ્થો નિકોલના કલ્પેશ કોરાટ અને સુરતના અશ્વિન દુધત્રા પાસેથી ખરીદીને લાવ્યા છે. નિકુંજે આ જથ્થો હર્ષ પાસેથી પ્રતિ નંગ રૂપિયા 55માં ખરીદ્યો હતો. આ માસ્કની બજાર કિંમત 300 રૂપિયા સુધીની છે, આરોપીઓ કેટલા સમયથી આ બનાવટી માસ્કનું વેચાણ કરતા હતા તેમજ કોને કોને કરી રહ્યા હતા સહિતની તપાસ શરૂ કરી છે. બીજી તરફ જપ્ત કરવામાં આવેલો દારૂનો જથ્થો શા માટે લાવ્યા હતા તેની પણ તપાસ પોલીસ શરૂ કરી છે.