Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં વધુ એક વખત બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે, તાજેતરમાં જ બરોડામાં માર્કશીટ કૌભાંડ સામે આવું બાદ હવે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અન્ય રાજ્યોની જુદી-જુદી યુનિવર્સિટીઓની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી ઉંચા ભાવે વેચાણ કરવાના કૌભાંડને પોલીસ ખુલ્લું પાડીને બે આરોપીઓની ધરપકડ કરી ડુપ્લીકેટ માર્કશીટ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ 10 લાખથી 3 લાખ સુધીની રકમ માર્કશીટ બનાવવા લેતા હતા. વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે બોડકદેવ વિસ્તારમાં પ્રજેશ જાની અને ચિંતન પટેલ નામનો શખ્સ અન્ય રાજ્યોની ડુપ્લીકેટ માર્કશીટ બનાવે છે અને ચિંતન પટેલનો નંબર મળ્યો હતો. પોલીસે સમગ્ર કૌભાંડ ઝડપવા એક ડિકોય ગોઠવી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મી રિકું પાસે ફોન કરાવી વિદેશ જવા માર્કશીટ જરૂર હોવાથી ગુજરાત યુનિવર્સિટીની FYથી TY સુધીની માર્કશીટ બનાવવા ચિંતન પટેલને કહ્યું હતું. જેના 10 લાખ રૂપિયા માંગ્યા હતા.
મહિલા પોલીસકર્મી રિંકુએ ત્રણ લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું જેથી ચિંતને ત્રણ લાખમાં વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે માર્કશીટ જોઈએ તો મદ્રાસ યુનિવર્સિટીની માર્કશીટ, સર્ટિફિકેટ બનાવી આપશે. ડિલ નક્કી થતા પ્રજેશ જાનીનો નંબર આપયો હતો અને તેની સાથે વાત કરી માહિતી આપવા કહ્યું હતું. પ્રજેશે માહિતી લઇ ડુપ્લીકેટ માર્કશીટ બનાવી અને બોડકદેવ રામઝરૂખા ફ્લેટ પાસે રૂપિયા લઈ આવવા કહ્યું હતું. વસ્ત્રાપુર પોલીસની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને મહિલા પોલીસકર્મી રીંકુ ડુપ્લીકેટ માર્કશીટ લેવા ફ્લેટ નીચે ગઈ ત્યારે પ્રજેશ જાની અને કલ્પેશ પાઠક હાજર હતા. રિકુંએ સર્ટિફિકેટ આપો તો પૈસા આપું કહેતા ગાડીમાંથી ડુપ્લીકેટ માર્કશીટ કાઢી આપી હતી. જેથી પોલીસને ઈશારો કરતા ટીમે બંનેને પકડી લીધા હતા. તેઓ પાસેથી માર્કશીટ કબ્જે કરી લીધી હતી. આમ વધુ એક વખત રાજ્યમાં સામે આવેલ આ કૌભાંડના મુળિયા ઊંડા હોવાની દિશામાં પોલીસ આગળ વધી રહી છે.