Mysamachar.in-અમદાવાદ
લાંબા સમય બાદ ગુજરાતમાં ફરી છોટા શકીલની ગેંગ સક્રિય થઇ હોય તેમ મહારાષ્ટ્રના શુટરો ને ગુજરાતમાં મોકલી અને બીજેપી નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાના કાવતરાને નિષ્ફળ બનાવી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ચોંકાવનારા મામલે રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવા એક શખ્સ આવેલો છે, આવી માહિતી મળતા ગુજરાત પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડને મળેલી માહિતીના આધારે અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલમાં તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પોતાની કમરના ભાગે લોડેડ બંદૂક રાખેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તેની ધરપકડ કરવા જતા તેણે ફાયરિંગ કર્યુ હતું. જોકે, એ વખતે કોઈને ઇજા થઈ નહી પરંતુ પોલીસ તેની પર તૂટી પડી અને તેને ઝડપી પાડ્યો હતો.’ અને ગોળી છત માં ઘુસી ગઈ હતી, ગૃહમંત્રીએ કહ્યું કે ઝડપાયેલા શખ્સની ટેકનિકલ તપાસના આધારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ અમારા નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હતો. તેમની હત્યાની સોપારી આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અમે તાત્કાલિક ગોરધનભાઈને જાણ કરી છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
વારંવાર ગુજરાતના નેતાઓ નિશાને હોવાની માહિતીઓ પોલીસ વિભાગને મળતી રહેતી હોય છે. આ કેસમાં પણ ગુજરાતની પોલીસની સતર્કતાના કારણે એક શખ્સ પકડાયો છે. જ્યારે હત્યા કરવા બે વ્યક્તિ આવ્યા હતા, બીજો વ્યક્તિ આ હુમલાખોર સુધી પહોંચી નહોતો શક્યો. હાલના તબક્કે અમને તપાસમાં જે જાણકારી મળી છે તેમાં ગોરધન ઝડફિયાની હત્યા કરવા એક શખ્સ આવ્યો હતો. બીજા વ્યક્તિને જ્યારે એટીએસ પકડીને તેની સંયુક્ત તપાસ કરવામાં આવે ત્યારે જ વધુ ખુલાસો થઈ શકે પરંતુ હાલ પુરતું આ કાવતરું ગુજરાત એટીએસ સહિતની ટીમે નાકામ બનાવી દીધું છે.જયારે ઝડફિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.